પ્રિન્સ ચાર્લ્સે યુકેની પ્રથમ કોરોના ફિલ્ડ હોસ્પિટલને ખુલ્લી મૂકી

માત્ર નવ દિવસમાં કોવિડ-૧૯ના ૪,૦૦૦ પેશન્ટ્સની સારવારની ક્ષમતા સાથેની નાઈટિંગેલ હોસ્પિટલ એક્સેલ કોન્ફરન્સ સેન્ટરમાં તૈયારઃ લશ્કરી દળોએ સતત કામગીરી બજાવી

Monday 06th April 2020 01:16 EDT
 
 

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સે વીડિયો લિન્ક મારફત યુકેની પ્રથમ કોરોના વાઈરસ ફિલ્ડ હોસ્પિટલ NHS નાઈટિંગેલ હોસ્પિટલને ત્રીજી એપ્રિલ, શુક્રવારે ખુલ્લી મૂકી હતી. લશ્કરી દળોએ સતત કામગીરી બજાવી માત્ર નવ દિવસમાં કોવિડ-૧૯ના ૪,૦૦૦ પેશન્ટ્સની સારવારની ક્ષમતા સાથેની નાઈટિંગેલ હોસ્પિટલ એક્સેલ કોન્ફરન્સ સેન્ટરમાં તૈયાર કરી હતી. પ્રિન્સ ચાર્લ્સે આર્મીના જવાનોને આ કામગીરી બદલ બિરદાવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં જેમને વાઈરસનો ચેપ લાગ્યો હતો તે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અનેહેલ્થ મિનિસ્ટર નાદિન ડોરિસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રિન્સ ઓફ વેલ્સે ૫૩૦ માઈલ દૂર સ્કોટિશ નિવાસેથી વીડિયો લિન્ક મારફત યુકેની પ્રથમ કોરોના વાઈરસના દર્દીઓની સઘન સારવાર માટેની હંગામી ફિલ્ડ હોસ્પિટલ NHS નાઈટિંગેલ હોસ્પિટલને ત્રીજી એપ્રિલ, શુક્રવારે ખુલ્લી મૂકી હતી. પ્રિન્સે કહ્યું હતું કે,‘આની જરૂર શક્ય તેટલા ઓછાં સમય અને લોકો માટે રહે તેવી આપણે પ્રાર્થના કરીએ. હોસ્પિટલ જેમને સૌથી જરૂર છે તેમના માટે આશાનું કિરણ બની રહેશે.’ તેમણે કોરોના વાઈરસ સામે લડનારા તમામનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હમણા જ કોરોનાના હળવા લક્ષણો પછી એકાંતવાસથી બહાર આવ્યા છે.

દરમિયાન, લંડનમાં કોરોના વાઈરસ માટે NHSનો સત્તાવાર મૃતાંક ૧૭૧ વધી ૮૯૯નો થયો હતો, આ આંકડામાં હોસ્પિટલની બહારના મોત અને સગાંસંબંધીને જાણ ન કરાઈ હોય તેવા મૃત્યુ બાકાત છે. હેલ્થ સર્વિસ જર્નલના જણાવ્યા મુજબ રાજધાનીમાં કુલ આંક ૧૦૫૩ હોઈ શકે છે.

ઈસ્ટ લંડનની ૪૦૦૦ પથારીની ક્ષમતા સાથેની NHS નાઈટિંગેલ હોસ્પિટલ નવ દિવસમાં બંધાઈ છે અને રોજના ૨૦૦ સૈનિક તેના બાંધકામમાં જોડાયા હતા. લંડનના તમામ ઈન્ટેન્સિવ કેર યુનિટ્સમાંથી કોરોનાના દર્દીઓને આ હોસ્પિટલમાં મોકલાશે. અહીં ૪૨ બેડના એક વોર્ડ સાથે ૮૦થી વધુ વોર્ડ હશે. હોસ્પિટલની ૪,૦૦૦ પેશન્ટની ક્ષમતા પૂર્ણ થવા સાથે તેને ચલાવવા ૧૬,૦૦૦થી વધુ સ્ટાફની જરૂર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter