લંડન, નવી દિલ્હી, મુંબઈઃ પ્રિન્સ ઓફ વેલ્સની ભારતની ૧૦મી સત્તાવાર મુલાકાતનું ૧૪ નવેમ્બર, ગુરુવારે સમાપન થયું છે. તેમણે બે દિવસની મુલાકાતમાં નવી દિલ્હી અને મુંબઈમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બે દિવસની ભારતયાત્રાએ આવેલા બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સે ૧૪ નવેમ્બરે મુંબઈમાં પોતાનો ૭૧મો જન્મદિન શાળાના બાળકો સાથે ઉજવ્યો હતો. આ શાળા પ્રિન્સના બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અને પરગજુ બિલિયોનેર ઉદ્યોગપતિ અજય પિરામલના પિરામલ ફાઉન્ડેશનની સહાયથી ચલાવાય છે. તેમણે યુકે અને ભારત વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવા સાથે સસ્ટેનિબિલિટી અને ક્લાઈમેટ ચેન્જ જેવાં મુદ્દાઓ પરત્વે બંને દેશોના દ્વિપક્ષી સહકારને આગળ વધારવાને પ્રોત્સાહન પણ આપ્યું છે.
પ્રિન્સ ચાર્લ્સ બુધવારે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા અને તેમણે મુલાકાતના આરંભે જ કેરળના હેલ્પિંગ હેન્ડ્સ ઓર્ગેનાઈઝેશન (H20)ના સ્થાપક જોલી જ્હોન્સનને કોમનવેલ્થ ‘પોઈન્ટ્સ ઓફ લાઈટ્સ’ એવોર્ડ એનાયત કર્યો હતો. જોલીની આગેવાની હેઠળ આ સંસ્થાએ દિવ્યાંગ બાળકો માટે એક કેન્દ્ર બાંધ્યું હતું જ્યાં, થેરાપી સેશન્સ, વોકેશનલ ટ્રેઈનિંગ અને ફેમિલી કાઉન્સેલિંગ ચલાવાય છે. સંસ્થાએ ૨૦૧૮માં કેરળના વિનાશક પૂર પછી પુનર્વસવાટ કાર્યક્રમ દ્વારા સક્રિય મદદ પણ કરી હતી.
પ્રિન્સ ચાર્લ્સે ભારતની આબોહવાની આગાહી કરતી સિસ્ટમની ચર્ચા કરવા ઈન્ડિયન મીટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. વાયુ પ્રદુષણ અંગે ભારતના ઉપાયો મુદ્દે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વિરોનમેન્ટના સુનિતા નારાયણ સાથે વાતચીત ઉપરાંત, તેઓ એશ્ડન એવોર્ડ્સના ત્રણ વિજેતાઓને પણ મળ્યા હતા. એશ્ડન એવોર્ડ્સની સ્થાપના ૨૦૦૧માં કરાયા પછી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી ૨૨૫થી વધુ સંસ્થા-એકમોને ઈનામ અપાયું છે. આ સંસ્થાઓએ સંયુક્ત રીતે ૮૮ મિલિયન લોકોની જિંદગી સુધારી છે અને દર વર્ષે ૧૩ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડના એમિશનનો બચાવ કર્યો છે.
પ્રિન્સ ચાર્લ્સે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાતમાં દ્વિપક્ષી ચર્ચા પણ કરી હતી. આ ચર્ચામાં કોમનવેલ્થની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપરાંત, પર્યાવરણીય હરિત મુદ્દાઓ અને પરંપરાગત ઔષધોના આપસી રસનો પણ સમાવેશ થયો હતો. રાષ્ટ્રપતિએ હર્બલ ગાર્ડનની મુલાકાત પણ કરાવી હતી જ્યાં, પ્રિન્સે પોતાના નામ સાથેના ચંપાના વૃક્ષનું આરોપણ કર્યું હતું.
બુધવારની બપોર પછી તેઓ ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતી પ્રસંગે નવી દિલ્હી સ્થિત ગુરુદ્વારા બંગલા સાહિબ પહોંચ્યા હતા. શીખ અગ્રણીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કરી લંગરના રસોઈઘરમાં લઈ ગયા હતા. અહીં તેમણે ગુરુદ્વારાની સેવા પરંપરામાં ભાગ લઈ લંગર માટે રોટલીઓ શેકવાની તકનો લાભ લીધો હતો.
બુધવારના કાર્યક્રમોના સમાપનમાં તેમણે ભારત, યુકે અને સમગ્ર કોમનવેલ્થના સૈનિકો દ્વારા પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં અપાયેલા બલિદાનોને યાદ કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોહિમાની લડાઈની ૭૫મી વર્ષગાંઠના નિમિત્તે પ્રિન્સે કોહિમા સમાધિલેખનું વાંચન કર્યા પછી યુકેમાં રોયલ બ્રિટિશ લિજિયનના સભ્યોએ તૈયાર કરેલા ખાદીના સ્મૃતિચિહ્નો અર્પણ કર્યા હતા. તેમણે લશ્કરી સેવામાં શહીદ થયેલા સૈનિકોની કબરોની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે આર્મી મેડિક સાર્જન્ટ હેન્રી બોમ્બ્રોફના ૮૦ વર્ષના પુત્ર બિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિન્સ ચાર્લ્સ મુંબઈમાં તેમના બ્રિટિશ એશિયન ટ્રસ્ટની મીટિંગમાં સામેલ થયા હતા અને ક્વોલિટી એજ્યુકેશન ડેવલપમેન્ટ આમ્પેક્ટ બોન્ડની ચર્ચા સાથે ટ્રસ્ટના ભારતમાં કાર્ય વિશે માહિતી મેળવી હતી
આ પછી તેમણે સસ્ટેનેબલ માર્કેટ્સના પ્રવાહમાં કેવી રીતે આગળ વધવું તે વિશે વગશાળી ભારતીય બિઝનેસ અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી. ફાઈનાન્સ, ટ્રાન્સપોર્ટેશન, ટેકનોલોજી અને લાઈફ સાયન્સીસ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા આ અગ્રણીઓએ વિશ્વમાં સસ્ટેનેબલ રોકાણકારોને તકો સાથે કેવી રીતે સાંકળવા તે વિશે વિચારો જણાવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સે ભાવિ પેઢીઓની જાળવણી સંદર્ભે સપ્ટેમ્બર મહિનામાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સાથે મળી સસ્ટેનેબલ માર્કેટ્સ કાઉન્સિલને તરતી મૂકી હતી. કાઉન્સિલ સમક્ષ ગ્રીન ફાઈનાન્સ માર્કેટ્સ, બાયોડાયવર્સિટી, કચરા અને પ્લાસ્ટિકના ઘટાડા અને રીન્યુએબલ એનર્જી સહિતના મુદ્દાઓ છે.
ભારતયાત્રાના આખરી દિવસે પ્રિન્સે જન્મદિવસની ચોકોલેટ કેક કાપી ત્યારે શાળાનાં બાળકોએ હેપી બર્થડે ગીત ગાઈ તેમને શુભેચ્છાઓ આપી હતી. પ્રિન્સે વિદ્યાર્થિનીને કેકનો એક ભાગ ઓફર કર્યો હતો અને પોતે પણ તેના સ્વાદનો લહાવો લેવાનું ચૂક્યા ન હતા. પ્રિન્સ ચાર્લ્સને જન્મદિવસની ભેટ આપવા વિશે ભારે વિચારણા પછી બાળકોએ તેમને ત્રણ બોનસાઈ ફેરી ગાર્ડન્સની ભેટ આપી હતી જેમાં, ભગવાન કૃષ્ણ સંબંધિત કથા નાની આકૃતિઓ દ્વારા કહેવામાં આવે છે.
દરમિયાન, ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મર્કેલ મેગને પ્રિન્સ ચાર્લ્સને જન્મદિનની શુભેચ્છા આપવા સાથે તેમના બાળક આર્ચી અને પ્રિન્સ ચાર્લ્સની નવી તસવીર જારી કરી હતી.