લંડનઃ બ્રિટિશ રાજગાદી પર આરૂઢ થવાનો સમય જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રિન્સ વિલિયમ તેમના પિતા કિંગ ચાર્લ્સ તૃતીય પાસેથી વધુ સત્તા હાંસલ કરી રહ્યાં છે. રાજવી પરિવારના ભવિષ્ય માટે લેવાઇ રહેલા નિર્ણયોમાં પ્રિન્સ ઓફ વેલ્સ મહત્વની ભુમિકા ભજવી રહ્યાં છે.
પ્રિન્સ વિલિયમ તેમના ભાઇ પ્રિન્સ હેરી, મેઘન મર્કેલ અને પ્રિન્સ એન્ડ્રુની રાજવી પરિવારમાં વાપસી ન થાય તેની ચોકસાઇ પણ રાખી રહ્યાં છે. પેલેસના આંતરિક સૂત્રના જણાવ્યા અનુસાર એ વાતમાં કોઇ શંકા નથી કે જે કોઇ પ્રિન્સ વિલિયમના નિર્ણયોની વિરુદ્ધ જશે તેને રાજવી પરિવારમાંથી બહારનો રસ્તો બતાડી દેવાશે. પ્રિન્સ વિલિયમ કોઇ બકવાસ ઇચ્છતા નથી. તેઓ બ્રિટિશ રાજવી પરિવારના સૌથી આકરા રાજવી બનવાની તૈયારી કરી રહ્યાં છે.
સૂત્રે જણાવ્યું હતું કે, પ્રિન્સ વિલિયમ આ પહેલાં રાજવી પરિવારમાં આટલા પ્રભાવી ક્યારેય રહ્યાં નથી. રાજવી પરિવારને લાંબાગાળે લાભ થાય તેવા નિર્ણયો લેવામાં તેઓ પીછેહઠ પણ કરી રહ્યાં નથી. કિંગ ચાર્લ્સ પણ પ્રિન્સ વિલિયમને વધુ જવાબદારી સોંપી રહ્યાં છે જે સંકેત આપે છે કે તેમનો શાસનકાળ નજીકના ભવિષ્યમાં આવી શકે છે.