લંડનઃ પ્રિન્સેસ ડાયનાના પૂર્વ પ્રોટેક્શન ઓફિસર દ્વારા પ્રિન્સેસના મોત પર કરાયેલા નવા દાવાઓએ ખળભળાટ મચાવી દીધો છે. પ્રિન્સેસ ડાયના, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના પૂર્વ પ્રોટેક્શન ઓફિસર કેન વ્હાર્ફ દ્વારા દાવો કરાયો છે કે પેરિસમાં પ્રિન્સેસ ડાયનાનું મોત થયું તે કાર અકસ્માત માટે મોહમ્મદ અલ ફાયેદ જવાબદાર હતા. અકસ્માત સમયે પ્રિન્સેસ ડાયના મોહમ્મદ અલ ફાયેદના પુત્ર ડોડી અલ ફાયેદ, ડ્રાઇવર હેન્રી પોલ અને બોડીગાર્ડ ટ્રેવર રીસ જોન્સ સાથે કારમાં હતા. આ અકસ્માતમાં ફક્ત ટ્રેવરનો બચાવ થયો હતો.
રોયલ ઓથર રોબ જોબસન સાથેના પુસ્તરમાં વ્હાર્ફે જણાવ્યું છે કે 1997માં પેરિસની ટનલમાં થયેલા અકસ્માત માટે મોહમ્મદ અલ ફાયેદ અને તેમની ટીમ જવાબદાર હતી. હું એટલું કહી શકું છું કે ફાયેદ પોતે પાર્ક લેન ખાતેની ઓફિસમાં બેસીને સમગ્ર ઘટનાક્રમનું નિયંત્રણ કરી રહ્યા હતા. અકસ્માત થયો તેના ફક્ત આઠ સપ્તાહ પહેલાં જ ફાયેદના બોર્ડીગાર્ડ્સની ટીમે પ્રિન્સેસ ડાયના અને ડોડી અલ ફાયેદની સુરક્ષાની જવાબદારી સંભાળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અલ ફાયેદ તાજેતરમાં કર્મચારીઓના જાતીય શોષણના આરોપોમાં ઘેરાયેલા છે. તેમની કંપનીની સેંકડો મહિલા કર્મચારીઓ ફાયેદ દ્વારા બળાત્કાર કરાયાના આરોપો સાથે સામે આવી રહી છે.