લંડનઃ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને તેમની માતા પ્રિન્સેસ ડાયનાના બાળપણનું ઘર વારસામાં નહીં મળે. આમ તો પ્રિન્સેસ ડાયનાના નિધન બાદ તેમના બંને પુત્રને વારસામાં તેમની મોટાભાગની સંપત્તિ હાંસલ થઇ હતી પરંતુ એલ્થ્રોપ એસ્ટેટમાં તેમને હિસ્સો નહીં મળે. પ્રિન્સેસ ડાયનાએ તેમના જીવનના પ્રારંભિક વર્ષો આ એસ્ટેટમાં વીતાવ્યાં હતાં. આ ઘર હવે પ્રિન્સેસ ડાયનાના ભત્રીજા લૂઇસ સ્પેન્સરને સોંપવામાં આવશે.
1997માં પેરિસમાં એક કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયનાનું નિધન થયા બાદ તેમની 13 મિલિયન પાઉન્ડની સંપત્તિ, મોટા પ્રમાણમાં જર ઝવેરાત પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને અપાયાં હતાં. એલ્થ્રોપ એસ્ટેટની માલિકી સ્પેન્સર પરિવાર વર્ષ 1508થી ધરાવે છે અને લેડી ડાયનાનું બાળપણ આ જ ઘરમાં વીત્યું હતું. લૂઇસ સ્પેન્સર પ્રિન્સેસ ડાયનાના ભાઇ અર્લ ચાર્લ્સ સ્પેન્સપનો દીકરો છે. આમ પરંપરાથી અલગ હટીને ડાયનાની આ સંપત્તિ તેમના પુત્રોના સ્થાને તેમના ભત્રીજાને આપવામાં આવી રહી છે.