લંડનઃ યુકે અને ભારતમાં ભૂખમરાથી પીડાતા બાળકો માટે ભંડોળ એકઠું કરવા 16 વર્ષીય બ્રિટિશ ભારતીય પ્રિશા તાપરેએ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરીને સૌથી યુવા તરવૈયાઓમાં સામેલ થતાં ઇતિહાસ રચ્યો હતો. નોર્થ લંડનની બૂશે મિડ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિશા તેના પરિવારમાં ઇંગ્લિશ ચેનલ અંગે થતી ચર્ચાઓથી પ્રોત્સાહિત થઇને આ સાહસ માટે તૈયાર થઇ હતી.
4 વર્ષની તાલીમ બાદ પ્રિશાએ ગયા સપ્તાહમાં ફ્રાન્સના કેપ ગ્રિસ નેઝથી ઇંગ્લેન્ડના ડોવરના દરિયા કિનારા સુધીનું 34 કિમીનું અંતર 11 કલાક 48 મિનિટમાં કાપીને આ સિદ્ધી હાંસલ કરી હતી. પ્રિશા કહે છે કે મેં તરવાની શરૂઆત કરી ત્યારે દરિયો તોફાની હતો પરંતુ સૂર્યોદય થતાં જ મને લાગ્યું કે મેં સૌથી બદતર સમય પસાર કરી દીધો છે. શરૂઆતના બે કલાક હંમેશા આકરા હોય છે કારણ કે તમને ખબર છે કે હજુ તમારે ઘણા કલાકો સુધી તરવાનું છે. શરૂઆતમાં તો મારી ઊંઘ જ ઊડી નહોતી પરંતુ સૂર્યોદય થતાં હું સ્ફુર્તિમાં આવી ગઇ હતી.