લંડનઃ ગઈ ૭મી સપ્ટેમ્બરે લંડનની એક લો ફર્મમાં એક વ્યક્તિ મોટા છૂરા સાથે ઘૂસી ગયો હતો અને હિંસક, રંગભેદી હુમલો કર્યો હતો. તેને ઝડપી લેવાયો તે પહેલા તેણે સ્ટાફના એક સભ્યને ઈજા પહોંચાડી હતી. તેણે ઈમિગ્રેશન સોલિસિટરને મારી નાખવાની ધમકી આપી હતી. તેની બેગમાંથી એક કન્ફેડરેટ ધ્વજ અને જમણેરી સાહિત્ય મળી આવ્યું હતું.
આ ઘટનાને પગલે બ્રિટનના ટોચના વકીલોએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને પત્ર લખ્યો હતો. તેમના માનવા મુજબ પ્રીતિ પટેલે કરેલી ટિપ્પણીથી પ્રોત્સાહિત થઈને તેણે હુમલો કર્યો હતો. આ ઘટના બની તેના થોડા દિવસ અગાઉ ૩જી સપ્ટેમ્બરે પ્રીતિ પટેલે 'સક્રિય વકીલો' માઈગ્રન્ટ્સને હાંકી કાઢવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરતા હોવાની બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
સાક્ષીઓના નિવેદન અને હુમલાની વિગતો જોતાં લો ફર્મના માનવા મુજબ આ હુમલા માટે પ્રીતિ પટેલ જવાબદાર હોય તેમ લાગે છે. સુરક્ષાના કારણસર આ લો ફર્મનું નામ આપી શકાય તેમ નથી.
હુમલાના એક દિવસ પછી ફર્મ દ્વારા લો સોસાયટીને પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં કાનૂની વ્યવસાયિકો પર તાત્કાલિક અસરથી જાહેરમાં હુમલા બંધ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ મુદ્દો પ્રીતિ પટેલ, સરકારી વકીલો, લોર્ડ ચાન્સેલર અને મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ સમક્ષ ઉઠાવવા જણાવાયું હતું.
પત્રમાં જણાવાયું કે કોઈપણ નિર્દોષનો જીવ ન જાય અને આ ક્ષેત્રમાં કાર્યરત કોઈને પણ હવે હાનિ ન થાય તે જોવું જોઈએ. આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી સરકાર તરફથી તાકીદે ખાતરી આપવામાં આવે.
લો સોસાયટી દ્વારા જણાવાયું કે આ મામલે હોમ સેક્રેટરી અને વડા પ્રધાને કરેલી દરમિયાનગીરી પછી અન્ય લો ફર્મને ધમકીઓ મળી હતી. કેટલીક ઈમિગ્રેશન લો ફર્મ્સને સિક્યુરિટી ગાર્ડ્સ રાખવાની અને સ્ટાફ માટે રક્ષણાત્મક પગલાં લેવાની ફરજ પડી હતી.