લંડન, અક્રાઃ ઘાનાના નામાંકિત 60 વર્ષીય આર્કિટેક્ટ, શિક્ષણવિદ અને લેખિકા પ્રોફેસર લેસ્લી લોક્કો રોયલ ઈન્સ્ટિટેયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (RIBA)નો પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલ જીતનાર આફ્રિકન મૂળનાં સૌપ્રથમ મહિલા બન્યાં છે. મૂળ ઘાનાના સ્કોટિશ પ્રો. લેસ્લી લોક્કોને ન્યાયના ઉદ્દેશોમાં નોંધપાત્ર પ્રદાન અને આર્કિટેક્ચરને લોકશાહી સ્વરૂપ આપવાની પ્રતિબદ્ધતા બદલ સન્માનિત કરાયા છે. તેમને 2 મેએ લંડનમાં RIBAના વડા મથકે આ યોજિત કાર્યક્રમમાં રોયલ ગોલ્ડ મેડલ 2024 એનાયત કરાશે. નોંધપાત્ર બાબત એ પણ છે કે RIBAના ઈતિહાસમાં સતત બીજા વર્ષે મહિલાને રોયલ મેડલ એનાયત કરાયો છે. ગત વર્ષે મૂળ પાકિસ્તાની મહિલા આર્કિટેક્ટ યાસ્મિન લારીને મેડલ અપાયો હતો.
પ્રોફેસર લોક્કોએ આર્કિટેક્ચર, ઓળખ અને જાતિ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપવાના ઉદ્દેશ સાથે 2021માં ઘાનાના અક્રા ખાતે આફ્રિકન ફ્યુચર્સ ઈન્સ્ટિટ્યૂટ (AFI)ની સ્થાપના કરી હતી. રોયલ ઈન્સ્ટિટેયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સની 1848માં સ્થાપના કરાયા પછી રોયલ ગોલ્ડ મેડલ અપાયો હોય તેવા તેઓ પ્રથમ આફ્રિકન મૂળના મહિલા છે. પ્રોફેસર લોક્કોએ CCNY સ્પિટ્ઝર સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના ડીન તરીકે સેવા આપવા સાથે યુકે, યુએસ અને આફ્રિકામાં શિક્ષણ આપ્યું છે તેમજ યુનિવર્સિટી ઓફ જોહાનિસબર્ગ ખાતે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપના પણ કરી છે. ગત વર્ષે પ્રોફેસર લોક્કોને આર્કિટેક્ચર અને શિક્ષણક્ષેત્રને સેવા બદલ OBE સન્માન એનાયત કરાયું હતું. તેમણે વેનિસમાં ઈન્ટરનેશનલ આર્કિટેક્ચર બાયએનાલેના પ્રથમ અશ્વેત ક્યુરેટર તરીકે ઈતિહાસ બનાવ્યો છે.
પ્રો. લેસ્લી લોક્કોએ જણાવ્યું હતું કે,‘આ પર્સનલ એવોર્ડ હોવાં છતાં, તે માત્ર પર્સનલ વિજય નથી. આ તો જેમની સાથે મેં કામગીરી બજાવી છે અને મારા લક્ષ્યોના સહભાગી લોકો અને સંસ્થાઓની લિખિત ઘોષણા છે.’