લંડનઃ યુકે સરકાર મકાનોની ખરીદીને વેગ આપવા અને વિલંબ ઘટાડવા પ્રોપર્ટી સેલ્સ ડેટાને ડિજિટલાઇઝ કરવાની યોજના બનાવી રહી છે. પ્રોપર્ટીના વેચાણમાં સામેલ કન્વેયન્સર્સ, લેન્ડર્સ અને અન્યોને ડેટા શેયર કરવા માટે નિયમો તૈયાર કરવા 12 સપ્તાહની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.
હાલમાં પ્રોપર્ટીના વેચાણમાં કાગળના દસ્તાવેજો અને જરીપુરાણી સિસ્ટમ પર આધારિત પ્રક્રિયા અમલમાં છે. જેના કારણે વિલંબ થતો રહે છે. માહિતીની આપ-લે સુધારવા અને પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા આ પગલાં લેવાઇ રહ્યાં છે.
હાઉસિંગ એન્ડ પ્લાનિંગ મિનિસ્ટર મેથઅયૂ પેનીકૂકે જણાવ્યું હતું કે, અમે મકાન ખરીદવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી રહ્યાં છીએ જેથી તે 21મી સદીને અનુરૂપ બની રહે. તેનાથી મકાન ખરીદનારાને નાણા બચાવવમાં મદદ મળશે, સમય બચશે અને તેમના તણાવમાં ઘટાડો થશે.
સામાન્ય રીતે યુકેમાં મકાન ખરીદવાની પ્રક્રિયામાં મહિનાઓ લાગી જાય છે. એક પ્રોપર્ટીની ખરીદીમાં સરેરાશ પાંચ મહિનાનો સમય વીતી જતો હોય છે. જેના કારણે દર પાંચમાંથી એક જ વેચાણ થઇ શક્તું હોય છે.
સરકાર કહે છે કે સંપુર્ણ ડિજિટલાઇઝેશનના કારણે મોર્ગેજ પ્રોવાઈડર્સ અને સર્વેયર્સ માટે ઝડપથી માહિતી ઉપલબ્ધ બની રહેશે. આ માટે સરકાર ડિજિટલ પ્રોપર્ટી માર્કેટ ગ્રુપ સાથે મળીને કામ કરી રહી છે.