લંડનઃ યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓની સંખ્યાએ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને પાછળ પાડી દીધાં છે. વર્ષ 2023માં રેકોર્ડ 55,000 પુરુષને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ આંકડા ભયભીત કરનારા છે. ઇમ્પિરિયલ કોલેજ લંડન ખાતે યુરોલોજીના વડા પ્રોફેસર હાશિમ એહમદે જણાવ્યું છે કે પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સ્તરે નિદાન થાય તો પ્રોસ્ટેટ કેન્સરની સારવાર શક્ય હોવા છતાં દર વર્ષે 12,000 પુરુષના પ્રોસ્ટેટ કેન્સરના કારણે મોત થાય છે.
પ્રોફેસર એહમદ કહે છે કે પુરુષોએ સક્રિય રીતે પ્રોસ્ટેટ કેન્સર અંગે વિચારવું જોઇએ. ત્યારબાદ પોતાના જીપી પાસે જઇને તેની ચકાસણી કરાવવી જોઇએ.
જોકે બ્રિટનમાં નિષ્ણાતો પ્રોસ્ટેટ કેન્સર માટેની ગાઇડલાઇનમાં ધરમૂળથી સુધારાની માગ કરી રહ્યાં છે. પ્રોસ્ટેટ કેન્સરનું રૂટિન સ્ક્રિનિંગ થતું નથી પરંતુ 50 વર્ષથી વધુ વયના પુરુષોએ પ્રોસ્ટેટસ્પેસિફિક એન્ટિજન (પીએસએ) ટેસ્ટ કરાવવો જોઇએ. આ એક સરળ બ્લડ ટેસ્ટ છે. જોકે હાલ એનએચએસની ગાઇડલાઇન ડોક્ટરોને પીએસએ ટેસ્ટ કરતાં અટકાવે છે. તેમનો એવો પણ આરોપ છે કે આ ટેસ્ટ જરીપુરાણો થઇ ચૂક્યો છે.