લંડનઃ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજના એક પ્રચાર કાર્યકર્તાએ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ગોળી મારી દેવાની માગ કરતાં મોટો વિવાદ સર્જાયો હતો. તેણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનો ઉપયોગ સેના માટે ટાર્ગેટ પ્રેકટિસ માટે કરવો જોઇએ અને મસ્જિદોને પબમાં તબદિલ કરી દેવી જોઇએ.
નાઇજલ ફરાજ ઉમેદવારી કરી રહ્યાં છે તે ક્લેકટનમાં અંડરકવર રિપોર્ટરો સાથે વાત કરતાં આ એક્ટિવિસ્ટે વડાપ્રધાન રિશી સુનાક વિરુદ્ધ પણ વંશીય ટિપ્પણીઓ કરી હતી. એન્ડ્રુ પાર્કર નામના આ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે, હું હંમેશાથી ટોરી સમર્થક રહ્યો છું પરંતુ હવે એક “f***ing P***” આવી જવાથી મને ચીડ આવી રહી છે. તેઓ કેટલાં સારા છે તે શું તમે મને કહી શકશો... તમે સારી રીતે જાણો છો. તે બકવાસ માણસ છે.
પાર્કરની ટિપ્પણીનો આક્રોશ સાથે જવાબ આપતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, નાઇજલ ફરાજ માટે પ્રચાર કરી રહેલા લોકોને મારી બંને દીકરીઓ જોશે અને સાંભળશે. તેમણે મારા માટે જે ઉચ્ચારણો કર્યાં છે તેનાથી દુઃખ થવાની સાથે ગુસ્સો પણ આવી રહ્યો છે. મને લાગે છે કે તેને કેટલાક સવાલોનો જવાબ આપવો જોઇએ. હું આ પ્રકારની વંશીય ટિપ્પણીઓને ધિક્કારું છું. વડાપ્રધાને પાર્કરને અધમ દુરુપયોગવાદી ગણાવતા જણાવ્યું હતું કે, એક વડાપ્રધાન અને બે દીકરીના પિતા તરીકે આ પ્રકારના વિભાજનકારી વલણને વખોડી કાઢવું જોઇએ.
પાર્કરે મુસ્લિમો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તમને ચારેતરફ પાકિસ્તાનીઓ દેખાઇ રહ્યાં છે. આ એક સંપ્રદાય છે. જો તમે ઇસ્લામ અંગે જાણતા નથી તો આ એક સૌથી બદતર સંપ્રદાય છે. અમે તમામ મુસ્લિમોને મસ્જિદોમાંથી બહાર કાઢીને તેમને વેધર્સસ્પૂન પબમાં તબદિલ કરી રહ્યાં છીએ. તેણે વડાપ્રધાન રિશી સુનાકને પણ “f***ing P***” ગણાવ્યા હતા.
આ એક્ટિવિસ્ટ એક મતદારને એમ કહી રહ્યો હતો કે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવી રહેલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ગોળી મારી દેવી જોઇએ.
નાઇજલ ફરાજે આ ટિપ્પણીઓને આઘાતજનક ગણાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારના લોકો મારા પ્રચાર અભિયાનમાં સામેલ થવા જોઇએ નહીં. કોઇ વ્યક્તિએ વ્યક્ત કરેલી લાગણી મારા મંતવ્ય નથી. બ્રિટનમાં માનનારા તમામની રિફોર્મ યુકે પાર્ટી છે.