લંડનઃ યુરોપિયન યુનિયનની બહાર નીકળી જવાનો લોકચુકાદો આવ્યા પછી પણ લાખો લોકો રેફરન્ડમના પરિણામનો વિરોધ કરી રહ્યા છે. ૫૧.૯ ટકાએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં રહેવાનો ચુકાદો આપ્યો છતાં પરિણામ સ્પષ્ટ ન હોવાનું જણાવી નવેસરથી બીજો રેફરન્ડમ લેવાની માગણી સાથે ઓનલાઈન પિટિશન કરવામાં આવી છે. વિલિયમ ઓલિવર હીલી દ્વારા આરંભાયેલી આ પિટિશન પર આશરે ૩૦ લાખથી વધુ લોકોએ સહી કરવાથી હાઉસ ઓફ કોમન્સમાં તેના પર સાંસદોએ ચર્ચા કરવાની ફરજ પડશે. સાંસદોની મિની રિસેસ પછી મંગળવારે હાઉસ ઓફ કોમન્સની પિટિશન કમિટીની બેઠક મળવાની છે, જોકે પિટિશન પર ચર્ચા માટે થોડાં સપ્તાહ લાગી શકે છે.
પિટિશનમાં જણાવાયું છે કે કુલ મતદાન ૭૫ ટકાથી ઓછું એટલે કે ૭૨.૨ ટકા જેટલું થયું છે. બ્રેક્ઝિટ વોટે માત્ર ચાર ટકાની એટલે કે ૧.૨૭ મિલિયન વોટની સરસાઈથી રીમેઈન કેમ્પ પર વિજય હાંસલ કર્યો છે, જે અપૂરતો અથવા તો ૨૦ ટકાથી ઘણો ઓછો છે. બ્રેક્ઝિટના પરિણામ પછી તરત જ કરાયેલી ઓનલાઈન પિટિશનમાં એક કલાકમાં જ ૧૦ લાખથી વધુ લોકોએ સહી હતી. પિટિશન એટલી લોકપ્રિય થઈ હતી કે મોશન સંબંધિત સરકારી વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. પિટિશનમાં દલીલ કરાઈ છે કે લીવ છાવણીને ૬૦ ટકાથી ઓછાં મત મળ્યાં છે અને તે ૭૫ ટકાથી ઓછાં મતદાન પર આધારિત છે. અલગ પડવાના પરિણામ પછી વૈશ્વિક ઈકોનોમીમાં ભારે હલચલ મચી હતી અને પાઉન્ડનું મૂલ્ય ઘટી જતાં ઘણાં લોકોને મતદાનમાં કાચું કપાયાનો અહેસાસ થયો હોવાનું લાગ્યું છે, જે આ પિટિશનને સાંપડેલો પ્રતિસાદ જણાવે છે.
બંધારણીય દૃષ્ટિએ રેફરન્ડમનું બ્રેક્ઝિટ પરિણામ સાંસદો માટે બંધનકર્તા નથી, પરંતુ તેની અવગણના કરવી અને મહિનાઓના જોરશોરના અભિયાન પછી બીજા રેફરન્ડમની જાહેરાત કરવી માટે કોઈ પણ રાજકીય જૂથ માટે આત્મઘાતી બની રહેશે. પરિણામના છ મહિના સુધીમાં ૧૦૦,૦૦૦થી વધુ સહી સાથેની કોઈ પણ પિટિશન પર સંસદમાં ચર્ચા યોજવી ફરજિયાત છે, જ્યારે ૧૦,૦૦૦થી વધુ સહી સાથેની પિટિશન પર સરકારે પ્રત્યાઘાત આપવો જરૂરી બને છે.