લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને આખરે અમેરિકી કોર્ટ તરફથી લાંબા સમયથી પડતર એવા સારા સમાચાર મળ્યા છે. તેમના ફાઉન્ડેશન માટે પુત્ર બેબી આર્ચી પાછળ આર્ચવેલ નામના ઉપયોગ બદલ ઉભો થયેલો પડકાર શમી ગયો હતો. આથી તેઓ આ નામ પડતું મૂકીને ફરીથી બીજું નામ રાખવું પડે તેવા અપમાનના અનુભવમાંથી બચી ગયા છે.
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને પ્રતિસ્પર્ધી ચેરિટી તરીકે આર્ચકેરર્સ નામનું ટ્રેડમાર્ક કરાવવા માગતા ન્યૂ યોર્ક હેલ્થ કેરના વડા સ્કોટ કેન્ટ્રો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બન્ને નામ સરખા હોત તો મૂંઝવણ ઉભી થવાની શક્યતા હતી. સસેક્સ યુગલે નામ નોંધાવ્યુ તેના પહેલા કેન્ટ્રોએ અરજી કરી હતી તેથી પ્રથમ તક તેમને મળી હોત અને પ્રિન્સ હેરી તથા મેગન મર્કેલે બીજું નામ શોધવું પડ્યું હોત.
જોકે, હવે આ યુગલ રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે, કારણ કે વધારાની માહિતી માટે કોર્ટે કરેલી વિનંતીનો સમયસર પ્રતિભાવ આપવામાં કેન્ટ્રો નિષ્ફળ રહ્યા હોવાથી હવે તેમની અરજી નીકળી ગઈ છે. આર્ચવેલ નામનો ટ્રેડમાર્ક મેળવવા માટે આ યુગલે કરેલી પ્રથમ અરજી ફગાવી દેવાઈ તેના થોડા સપ્તાહ બાદ આ સમાચાર આવ્યા છે. તે અરજીના ફોર્મ પર તેમની લીગલ ટીમે સહી કરી ન હતી, તેમણે જરૂરી ફી ભરી ન હતી તેમજ તેમની પ્રપોઝલ વધુ પડતી અસ્પષ્ટ લાગતી હોવાથી અરજી રદ થઈ હતી. આ બધી ખામીઓ પૂરી કરવા માટે તેમની પાસે ઓગસ્ટ, ૨૦૨૦ સુધીનો સમય હતો.
શરૂઆતમાં આ યુગલ તેમના પ્રોજેક્ટને સસેક્સ રોયલ નામ આપવા માગતું હતું. પરંતુ, તેઓ સત્તાવાર જીવનમાંથી દૂર થયા હોવાથી તેમને તેમ કરતાં અટકાવાયા હતા. તેમનું આયોજન ઈમોશનલ સપોર્ટ ગ્રૂપ્સ અને મલ્ટિમીડિયા એજ્યુકેશનલ એમ્પાયર ઉભું કરવાનું છે. તેઓ મેગનના બંધ થઈ ગયેલા બ્લોગ ‘ધ ટીગ’ જેવી વેબસાઈટ વિક્સાવવા માગે છે.