લંડનઃ ફાર્મસી ઉદ્યોગમાં પ્રવર્તમાન કટોકટીને રોકવા સેક્ટરને સરકાર દ્વારા વધારાનું ભંડોળ ન અપાય તો વિના મૂલ્યે દવાની ડિલિવરી અને કામના કલાકો ટૂંકાવી દેવા સહિતના પગલાં લેવાની ફાર્મસીઓએ ચેતવણી આપી છે.
નેશનલ ફાર્મસી એસોસિએશન દ્વારા કરાવાયેલા મતદાનમાં 99 ટકા ફાર્મસી માલિકોએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા વધારાની આર્થિક સહાય નહીં અપાય તો અમે દર્દીઓની સુરક્ષાના હિતમાં અમારી સેવાઓ મર્યાદિત કરી નાખીશું.
ફાર્મસી ઉદ્યોગના અગ્રણીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે ભંડોળના અભાવમાં વધુ ફાર્મસી બંધ થઇ શકે છે. નેશનલ મિનિમમ વેજમાં 6.7 ટકાનો વધારો કરાયા બાદ ફાર્મસી ઉદ્યોગમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
ફાર્મસી માલિકો દ્વારા અપાયેલી ચેતવણી
- કામના કલાકોમાં ઘટાડો કરાશે, જેના પગલે સાંજના સમયે અને સપ્તાહાંતમાં બહુ ઓછી ફાર્મસી ખુલ્લી રહેશે
- વિના મૂલ્યે દવાની હોમ ડિલિવરી બંધ કરી દેવાશે
- લોકલ એડિક્શન સપોર્ટ સેવાઓ, ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્શન અને સ્મોકિંગ સેસેશન સપોર્ટ બંધ કરી દેવાશે
- દર્દી સુરક્ષા માટે જરૂરી માહિતી અને ડેટા આપવામાં સહકાર નહીં અપાય
- ફ્રી મોનિટર્ડ ડોઝ સિસ્ટમનો સપ્લાય બંધ કરી દેવાશે