લંડનઃ જો સરકાર દ્વારા ઘરેલુ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફીમાં વધારાની પરવાનગી આપવામાં આવે તો યુકેની યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં કાપ મૂકી શકે છે. આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા એજ્યુકેશન સેક્ટરે સરકારને આ પ્રસ્તાવ આપ્યો છે.
યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરો ઇંગ્લેન્ડમાં ટ્યુશન ફીમાં ફુગાવા આધારિત વધારા અને સરકાર દ્વારા આર્થિક સહાયની માગ કરવા જઇ રહ્યાં છે. સરકાર નેટ ઇમિગ્રેશન ઘટાડવા પગલાં લઇ રહી છે ત્યારે યુનિવર્સિટીઓ સ્વેચ્છાએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડાનો પ્રસ્તાવ આપી રહી છે.
યુકેમાં ઘરેલુ વિદ્યાર્થીઓ માટેની ટ્યુશન ફી મર્યાદા 2017થી 9250 પાઉન્ડ છે. પરંતુ ફુગાવાના ઊંચા દરના કારણે યુનિવર્સિટીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આવી સ્થિતિમાં યુનિવર્સિટીઓને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ફીમાંથી થતી આવક પર જ નિર્ભર રહેવું પડે છે કારણ કે તેઓ ઇન્ટરનેશન સ્ટુડન્ટ્સ પાસેથી મનમાની ફી વસૂલી શકે છે.
યુયુકેના ચીફ એક્ઝિક્યુટિવ વિવિયન સ્ટર્ને જણાવ્યું હતું કે, એજ્યુકેશન સેક્ટરે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના કારણે ભાડાંના મકાનો અને અન્ય સમસ્યાઓ અંગે વિચારણા કરવાની જરૂર છે. અમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યામાં વધારો કરવા ઇચ્છતા નથી પરંતુ અમારી સમસ્યાઓનો લાંબાગાળાનો ઉકેલ ઇચ્છીએ છીએ.