લંડનઃ ઓક્ટોબર માસમાં ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2.0 ટકાના લક્ષ્યાંકથી ઉપર પહોંચી જતાં વ્યાજદરમાં કાપ મૂકાવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તેના કારણે લાખો લોનધારકોને ફટકો પડશે. લેબર સરકાર સત્તામાં આવ્યા બાદ આર્થિક મોરચે એક પછી એક પીછેહઠ થઇ રહી છે. ફુગાવામાં વધારાના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ દૂર થવાની સંભાવનાઓ ઓછી દેખાઇ રહી છે તો બીજીતરફ આર્થિક વૃદ્ધિદરમાં પણ ઘટાડો નોંધાયો છે.
ટોરી શેડો ચાન્સેલર મેલ સ્ટ્રાઇડે જણાવ્યું હતું કે, લેબરના શાસનકાળમાં ફરી એકવાર ફુગાવાનો દર વધવા લાગ્યો છે અને આર્થિક વૃદ્ધિદર ઘટ્યો છે. ફુગાવાના ઊંચા દરના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાય તેવી સંભાવનાઓ ઓછી દેખાઇ રહી છે. ફાઇનાન્સિયલ માર્કેટના અંદાજ અનુસાર ડિસેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરાય તેવી સંભાવના 15 ટકા પણ રહી નથી. ફેબ્રુઆરી સુધીમાં વ્યાજદરમાં ઘટાડો થાય તેવી સંભાવના ઘટીને 50 ટકા પર આવી ગઇ છે. તેનો અર્થ એ થયો કે લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડા માટે માર્ચ 2025 સુધી રાહ જોવી પડશે.
રેચલ રીવ્ઝના બજેટે પમ વ્યાજદરમાં ઘટાડાની સંભાવનાઓ ઘટાડી દીધી છે. બેન્કિંગ નિષ્ણાતોનું માનવું છે કે ચાન્સેલરની ખર્ચની જોગવાઇઓ ફુગાવામાં વધારો કરશે.
ઓક્ટોબરમાં ફુગાવાનો દર 2.3 ટકા, છેલ્લા 6 માસની ટોચે
એનર્જીની કિંમતોમાં વધારાના કારણે યુકેમાં ઓક્ટોબર માસમાં ફુગાવાનો દર છેલ્લા 6 મહિનાની ટોચની સપાટી પર પહોંચી ગયો હતો. ઓક્ટોબરમાં ફુગાવાનો દર 2.3 ટકા નોંધાયો જે સપ્ટેમ્બરમાં 1.7 ટકા પર હતો. ગયા મહિનાથી ગેસ અને વીજળીના બિલમાં વાર્ષિક 149 પાઉન્ડનો વધારો ઝીંકાયો હતો. જેના પગલે ફુગાવાના દરમાં વધારો થયો હોવાનું મનાય છે. ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2.0 ટકાના લક્ષ્યાંક કરતાં ઊંચો રહ્યો છે.