લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા અને ગર્ભવતી હતા ત્યારે જેલમાં ધકેલી દેવાયેલા સબ પોસ્ટમાસ્ટર સીમા મિશ્રાએ ફુજિત્સુના પૂર્વ ઇજનેર દ્વારા માગવામાં આવેલી માફીને નકારી કાઢી છે.
સીમા મિશ્રાએ જણાવ્યું હતું કે, ગેરેથ જેનકિન્સ દ્વારા રજૂ કરાયેલી માફી ઘણી મોડી છે. હું જાણવા માગુ છું કે તેમણે આ કામ શા માટે કર્યું.
ઇન્કવાયરી સમક્ષ જુબાનીમાં જેનકિન્સે જણાવ્યું હતું કે, દોષી ઠેરવાયા ત્યારે સીમા મિશ્રા ગર્ભવતી હતા એવી જાણ મને નહોતી. મને ઘણા વર્ષો બાદ તે જાણવા મળ્યું હતું. જે કાંઇ બન્યું તે અત્યંત દુઃખદાયક હતું. હું ફક્ત તેમની અને પરિવારની માફી માગી શકું છું.
પરંતુ સીમા મિશ્રાએ જણાવ્યું હતું કે, જેનકિન્સે ઘણા વર્ષો પહેલાં માફી માગવાની જરૂર હતી. હું જે પરિસ્થિતિમાંથી પસાર થઇ હતી તે તેઓ ક્યારેય સમજી શકશે નહીં. મારી પીડાને કોઇ સમજી શકશે નહીં. જેનકિન્સે મારા કેસમાં કોર્ટને એમ નથી જણાવ્યું કે હોરાઇઝન સિસ્ટમમાં ખામી હતી.
પોસ્ટ ઓફિસે મારા મુખમાં શબ્દો મૂકવાનો પ્રયાસ કર્યો હતોઃ જેનકિન્સ
ફુજિત્સુના પૂર્વ સીનિયર એન્જિનિયર ગેરેથ જેનકિન્સે ઇન્કવાયરી સમક્ષ જણાવ્યું હતું કે, હોરાઇઝન આઇટી સિસ્ટમ અંગે ખુલાસો કરવાના સમયે પોસ્ટ ઓફિસે મારા મુખમાં તેના શબ્દો મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જો મારા પર દબાણ ન થયું હોત તો મેં કોર્ટમાં અલગ જ સાક્ષી આપી હોત. જેનકિન્સ ફુજિત્સુમાંથી 2015માં નિવૃત્ત થયા હતા.
હોરાઇઝન સિસ્ટમનો રિમોટ એસેસ હોવાની મને પહેલેથી જાણ હતીઃ ગેરેથ જેનકિન્સ
પોસ્ટ ઓફિસની ખામીયુક્ત હોરાઇઝન આઇટી સિસ્ટમ વિકસાવનાર કંપની માટે કામ કરનારા પૂર્વ ઇજનેર ગેરેથ જેનકિન્સે જણાવ્યું હતું કે, તેઓ સારી રીતે જાણતા હતા કે કોમ્પ્યુટર સિસ્ટમને દૂર રહીને પણ ઓપરેટ કરી શકાય છે. ઇન્કવાયરી સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેક 2000થી જાણતા હતા કે ફુજિત્સુના કર્મચારીઓ દૂર રહીને પણ આઇટી સિસ્ટમનો એસેસ પ્રાપ્ત કરી શક્તાં હતાં.જેનકિન્સે જણાવ્યું હતું કે, હું પહેલેથી જાણતો હતો કે આ થિયરીની દ્રષ્ટિએ શક્ય છે. પરંતુ વર્ષ 2018 સુધી હું જાણતો નહોતો કે તેઓ વાસ્તવમાં તેમ કરી રહ્યાં છે.