લંડનઃ ઇંગ્લેન્ડની ફેઇથ સ્કૂલોએ હવે અન્ય ધર્મના બાળકોને 50 ટકા બેઠકો ઓફર કરવાની રહેશે નહીં. સરકાર દ્વારા જાહેર કરાયેલા શાળા પ્રવેશના નિયમો અંતર્ગત આ બદલાવ કરાયાં છે. અત્યાર સુધી નવી ફેઇથ સ્કૂલો ધર્મ આધારિત પ્રવેશના માપદંડનો ઉપયોગ કરીને મહત્તમ 50 ટકા બેઠકો ભરી શક્તી હતી પરંતુ એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગને જાહેર કરેલા સુધારા અનુસાર તેઓ હવે અન્ય ધર્મના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે.
સરકાર ચર્ચ અને ધાર્મિક સંગઠનોને વિશેષ શૈક્ષણિક જરૂરીયાત હોય તેવા બાળકો માટે ફેઇથ સ્કૂલ ખોલવાની પરવાનગી આપશે. જો કે એક્ટિવિસ્ટોએ ચેતવણી આપી છે કે સરકારના આ પગલાંના કારણે નૈતિક ચિંતાઓ સર્જાશે.
જ્યારે શાળા પાસે બેઠકો કરતાં વધુ પ્રવેશ અરજીઓ આવી હોય ત્યારે લાગુ થતી 50 ટકાની મર્યાદા દૂર કરવાના પ્રસ્તાવોનો પૂર્વ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી રોવન વિલિયમ્સ અને અન્ય લોકોએ વિરોધ કર્યો હતો. તેમનું મંતવ્ય હતું કે, આ નીતિ વિભાજનકારી પૂરવાર થશે અને સ્થાનિક સ્કૂલોમાં પ્રવેશ નહીં આપવાના કારણે બાળકો નાહકના દંડાશે.