લંડનઃ ઇંગ્લેન્ડમાં બ્રિટિશ બાંગ્લાદેશી પુરુષોમાં સૌથી વધુ ફેફસાનું કેન્સર જોવા મળે છે. વિવિધ સમુદાયોમાં ફેફસાનું કેન્સર કેવી રીતે અસર કરે છે તેના પર ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરાયો હતો. તેમણે 17.5 મિલિયન લોકોના હેલ્થ રેકોર્ડ અને ફેફસાના કેન્સરના 84000 કેસનો અભ્યાસ કરીને તારણો આપ્યાં હતાં.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્સરના જોખમમાં વંશીય લઘુમતી સમુદાય અને સામાજિક સંજોગો મહત્વના પરિબળો છે. ગરીબ પુરુષ અને મહિલાઓમાં અમીરો કરતાં ફેફસાના કેન્સરના કેસ વધુ જોવા મળે છે. ઇંગ્લેન્ડમાં ફેફસાના કેન્સરના સૌથી વધુ કેસ બાંગ્લાદેશી પુરુષોમાં જોવા મળે છે. ત્યારબાદ શ્વેત, ચીની અને કેરેબિયન પુરુષો આવે છે.
ભારતીય, કેરેબિયન, અશ્વેત આફ્રિકન, ચીની અને અન્ય એશિયન સમુદાયની મહિલાઓમાં એડેનોકાર્સિનોમા નામના ફેફસાના કેન્સરનું જોખમ બમણુ રહે છે. રિસર્ચનું નેતૃત્વ કરનાર ડોય ડેનિયલ ઝૂ સુઆન ચેને જણાવ્યું હતું કે, ફક્ત ધુમ્રપાન જ ફેફસાના કેન્સર માટે જવાબદાર નથી. અમારા અભ્યાસ અનુસાર વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડ અને સામાજિક સંજોગો પણ ફેફસાના કેન્સરના જોખમમાં મહત્વનો ભાગ ભજવે છે.