લંડનઃ બ્રિટિશ નાગરિક તેના વિદેશી જીવનસાથીને યુકેમાં લાવવા ઇચ્છતો હોય તો તેની આવકમર્યાદા 38,700 પાઉન્ડ કરવાની અગાઉની ટોરી સરકારની યોજનાની સમીક્ષા કરવા સ્ટાર્મર સરકારે આદેશ આપ્યો છે. હોમ સેક્રેટરી કૂપરે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને ફેમિલી વિઝા માટે લઘુત્તમ આવક મર્યાદા કેટલી હોવી જોઇએ તે અંગેનો રિપોર્ટ 9 મહિનામાં આપવા જણાવ્યું છે.
2023માં તત્કાલિન સુનાક સરકાર દ્વારા ફેમિલી વિઝા માટેની આવક મર્યાદા 18600 પાઉન્ડથી વધારીને 29000 પાઉન્ડ કરાઇ હતી. આ યોજનામાં આવકમર્યાદામાં તબક્કાવાર વધારો કરતાં 34,500 અને 38700 પાઉન્ડ કરવાની સુનાક સરકારે જોગવાઇ કરી હતી.
માઇગ્રેશન એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ પ્રોફેસર બ્રાયન બેલને લખેલા પત્રમાં કૂપરે જણાવ્યું હતું કે, અમારી સરકાર નેટ માઇગ્રેશન ઘટાડવલા પ્રતિબદ્ધ છે. સરકાર ફેમિલી માઇગ્રેશન પોલિસી સહિતની સિસ્ટમને ન્યાયી અને પારદર્શક બનાવવા માગે છે. હું ઇચ્છું છું કે આર્થિક જરૂરીયાતોની સમીક્ષા કરવામાં આવે.