ફેસબૂકનો ડેટા ચોરી થયો એ ભૂલ બદલ માફી માગું છું: ઝકરબર્ગ

Friday 23rd March 2018 08:55 EDT
 
 

વોશિંગ્ટન, નવી દિલ્હી, લંડનઃ અમેરિકામાંથી શરૂ થયેલો ફેસબૂક ડેટા લીકના વિવાદ પછી લોકોનો ફેસબૂક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ફેસબૂક પર જ્યારે એકાઉન્ટ ઓપન કરતી વખતે અંગત વિગત આપવામાં આવે ત્યારે એવી ખાતરી આપવામાં આવતી હોય છે કે આ બધી માહિતી સલામત રહેશે. એટલે કે ફેસબૂક સિવાય એ વિગતો કોઈ જાણી શકશે નહીં. પરંતુ ફેસબૂકની આ ખાતરી ખોટી સાબિત થઈ છે. માટે ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગે આજે ડેટા લીક અંગે માફી માંગી હતી.

માર્કે આજે પોતાની ફેસબૂક વોલ પર એક લાંબી પોસ્ટ લખીને ફેસબૂકના અબજો યુઝર્સની માફી માંગી હતી. માર્કે લખ્યું છે કે તમારો ડેટા સાચવી રાખવાની જવાબદારી અમારી હતી. પરંતુ અમે (એટલે ફેસબૂક) એ જવાબદારી નિભાવી શક્યું નથી. અમે તમારો ડેટા સાચવી ન શકીએ તો પછી અમને યુઝર્સ માટે કામ કરવાનો પણ અધિકાર રહેતો નથી. પરંતુ હવે હું ખાતરી આપું છું, કે ભવિષ્યમાં આવુ ક્યારેય થશે નહીં. અત્યારે જે ડેટા ચોરી થઈ છે એ માટે હું બધા ફેસબૂક વપરાશકર્તાની માફી માંગુ છુ. માર્કે ભવિષ્યમાં આવુ નહીં બને તેની ખાતરી આપતા એમ પણ ઉમેર્યું હતુ કે સદ્ભાગ્યે ફેસબૂકે બહુ પહેલેથી જ ડેટા સિક્યુરિટી માટે પગલાં લઈ રાખ્યા છે. હવે વધુ કડક પગલાં લેવાશે. આજે ડેટા લીક થયા પછી આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવો પડે એવી સ્થિતિ ફેસબૂકની સિક્યુરિટીની નથી. એટલે કે ફેસબૂકે તો બહુ પહેલેથી જ સિક્યુરિટીના પગલાં લઈ રાખ્યા હતા. પરંતુ એ પગલાં પૂરતા સાબિત નથી થયા. હવે અમે ફરીથી સતર્ક થયા છીએ અને દરેક યુઝર્સના ડેટાની સલામતી માટે કટિબદ્ધ છીએ.

બ્રિટિશ કંપની દ્વારા અમેરિકન ડેટા ચોરીનો મુદ્દો

બ્રિટિશ ડેટા મેનેજમેન્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબૂકના ૫ કરોડ અમેરિકી યુઝર્સનો ડેટા ચોરી કર્યો હતો. આ ચોરાયેલા ડેટાની ઘટના ૨૦૧૬માં બની હતી. પછીથી આ યુઝર્સના ડેટાનો ઉપયોગ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર વખતે કરાયો હતો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા પછી ફેસબૂકના કારણે જીત્યા હોવાના આક્ષેપો પણ વારંવાર થયા હતા. હવે એ આક્ષેપમાં તથ્ય જણાઈ આવ્યું છે. માટે ફેસબૂક પરથી લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. બ્રિટિશ ચેનલ 'ચેનલ ૪ ન્યુઝ'ના સ્ટીંગ ઓપરેશનમાં કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓએ કઈ રીતે ફેસબૂકની જાણ વગર તેનો ડેટા ઉઠાંતરી કર્યો તેની માહિતી આપી હતી. ૧૭ માર્ચે આ માહિતી સામે આવ્યા પછી ડેટા લીકનો વિવાદ રોજ રોજ ઘેરો બનતો જાય છે. પાંચ દિવસ દરમિયાન અમેરિકી શેરબજારમાં ફેસબૂકના શેર તૂટવાથી કંપનીની સંપત્તિમાં ૫૦ અબજ ડોલર (૩૩૫૫ અબજ રૂપિયા) જેટલો ઘટાડો આવ્યો છે. માર્કની અંગત સંપત્તિમાં પણ ૯ અબજ ડોલરનું ગાબડું પડયુ છે.

ભારતની ચૂંટણીમાં ગોટાળા નહીં થાય

ઝકરબર્ગે વધુ સ્પષ્ટતા કરતાં એવી પણ ખાતરી આપી હતી કે આગામી સમયમાં ભારત અને બ્રાઝિલમાં ચૂંટણી આવી રહી છે. આ બન્ને દેશો ફેસબૂકના સૌથી વધુ યુઝર્સ ધરાવે છે. કેમ્બ્રિજ એનાલિટિકા પણ આ દેશોમાં કામ કરે છે. એ સંજોગોમાં આવી રીતે ફેસબૂક પરથી ચોરાયેલો કે લીક થયેલો ડેટા ભારત-બ્રાઝિલની ચૂંટણીમાં ન વપરાય એ માટે ફેસબૂક કટિબદ્ધ છે. ફેક એકાઉન્ટ પણ ડિલિટ કરી શકાય એ માટે ફેસબૂક ખાસ પ્રકારનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યું છે.

ક્વિઝ એપના નામે ડેટા લીક

૨૦૧૩માં એલેક્ઝાન્ડર કોગાન નામના સંશોધકે એક ક્વિઝ એપ તૈયાર કરી હતી. ક્વિઝ રમવા માટે લોકો આ એપ ડાઉનલોડ કરતા હતા. લાખો લોકોએ એપ ડાઉનલોડ કરી હતી, જેમાં પોતાની અંગત માહિતી આપવાની હતી. યુઝર્સ આ ક્વિઝમાં ફેસબૂક દ્વારા ભાગ લેતા હતા. એટલે કે ફેસબૂકમાં હતી એ માહિતી આપોઆપ એપ સુધી પહોંચી જતી હતી. પછી ૨૦૧૪માં ફેસબૂકે નવા સિક્યુરિટી ફિચર્સ ઉમેર્યાં. આ એપને હટાવી દેવામાં આવી અને તેની પાસેનો ડેટા પણ ડિલિટ કરવા કહેવાયું. પરંતુ એલેક્ઝાન્ડરે એ ડેટાને ડિલિટ કરવાને બદલે વેચી નાખ્યો. આ રીતે ફેસબૂક પર મુકાયેલો ડેટા માર્કેટમાં રખડતો થઈ ગયો.

ફેસબૂક હોળીનું નાળિયેર બનાવે છે: એલેક્ઝાન્ડર

ડેટા ચોરી કરીને વેચવાનો જેના પર આક્ષેપ છે એ એલેક્ઝાન્ડર કોગાને પણ આજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. એલેક્ઝાન્ડરે વિવિધ અમેરિકી સમાચાર માધ્યમોને આપેલા બયાનમાં સ્પષ્ટ કર્યું હતું કે ફેસબૂક મને હોળીનું નાળિયર બનાવે છે. હકીકતે ફેસબૂક સાથે એપનું જોડાણ કર્યું ત્યારે જ એવી શરત મુકાઈ હતી કે મળતા ડેટાનો ગમે તે ઉપયોગ કરી શકાશે. એ પછી હું ડેટા વેચુ તો તેનો ફેસબૂક કઈ રીતે વાંધો લઈ શકે? વળી મેં કોઈ ફેસબૂકની પોલિસીનો ભંગ કર્યો નથી. કોગાને વધુમાં એમ પણ કહ્યું હતુ કે હું તો છીંડે ચડયો એટલે ચોર બનાવી દેવાયો છું, બાકી ઘણા લોકો આ રીતે જ ડેટા ભેગો કરે છે અને તેને વેચીને કમાણી પણ કરે છે. ડેટાની હેરાફેરી એ બિઝનેસ બની ગયો છે.

મેરા બેટા નિર્દોષ હૈઃ ત્યાગી

કે.સી.ત્યાગી બિહારના જનતાદળ (યુનાઈટેડ)ના નેતા કે.સી.ત્યાગીના દીકરા અમરીશ ત્યાગીએ કેમ્બ્રિજ એનાલિટિકા માટે કામ કર્યું છે. માટે તેણે પણ ગરબડ કરી હશે અથવા ગરબડમાં સાથ આપ્યો હશે એવા આક્ષેપો થાય છે. કેમ કે અમરીશ બરાબર અમેરિકી પ્રમુખની ચૂંટણી ટાણે જ કેમ્બ્રિજ સાથે જોડાયેલો હતો. માટે આજે નિતિશ કુમારે કે. સી. ત્યાગીને મળવા બોલાવ્યા હતા. એ પછી કે.સી.ત્યાગીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે મારો દીકરો કંપની સાથે પ્રોફેશનલી જ જોડાયેલો હતો. તેણે કોઈ ગરબડ નથી કરી. માત્ર ટ્રમ્પની ચૂંટણી વખતે અમેરિકામાં રહેતા ભારતીયોનો મૂડ કેવો છે, એ જાણવાનો સર્વે કરવામાં એ શામેલ હતો. પરંતુ એમ છતાંય મારો દીકરો ગુનેગાર જણાય તો સજા કરજો.

કેમ્બ્રિજ એનાલિટિકા સાથે ભાજપ-કોંગ્રેસે સંબંધો નકાર્યા

બીજી તરફ ભારતમાં પણ આ મુદ્દે હોબાળા પછી ચૂંટણીમાં ટેડાના ઉપયોગ માટે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંનેએ સાબદો બચાવ પક્ષ ઊભો કર્યો છે અને કેમ્બ્રિજ એનાલિટિકા સાથેના સંબંધો મુદ્દે પક્ષો એકબીજા પર માછલા ધોઈ રહ્યા છે. જોકે દસ્તાવેજો દર્શાવે છે કે બંને પાર્ટીઓ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. અને બ્રિટન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લઈ ચૂકી છે.

ભારતમાં કેમ્બ્રિજ એનાલિટિકાની સહયોગી કંપની એવોલેનો બિઝનેસ ઇન્ટેલિજન્સની વેબસાઇટ પર ઉલ્લેખ કરેલો છે કે ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ યુ તેના કલાયન્ટ છે. ઓવલેનો કંપનીનું સંચાલન જનતાદળ યુના નેતા કે.સી ત્યાગીના પુત્ર અમરીશ ત્યાગી કરે છે. આ કંપની એસસીઆઈ ઇન્ડિયા અને લંડનના એસસીએલ ગ્રૂપના જોઇન્ટ વેન્ચરનો હિસ્સો છે. એસએલ ગ્રૂપ કેમ્બ્રિજ એનાલિટિકાની પેરેન્ટ કંપની છે. નવાઈની વાત તો એ છે કે આ વિવાદ ચગ્યા પછી ઓવલેનોની વેબસાઈટ બંધ કરી દેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter