લંડનઃ યુકે સરકારે ફ્રાન્સમાં કોરોના વાઈરસ કેસીસમાં ભારે ઉછાળાના પગલે ત્યાંથી આવતા મુલાકાતી- પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું ક્વોરેન્ટાઈન શનિવાર ૧૫ ઓગસ્ટથી ફરજિયાત બનાવ્યું છે. આના પરિણામે, ફ્રાન્સ સહિતના દેશોમાં ઉનાળાની રજાઓ ગાળવા ગયેલા હજારો બ્રિટિશ પર્યટકોમાં સ્વદેશ પાછાં ફરવાની દોડધામ મચી જતા અરાજકતા વ્યાપી ગઈ હતી. બીજી તરફ, પેરિસથી લંડન જતી ફ્લાઈટ્સ, યુરોસ્ટાર ટ્રેઈન્સ તેમજ ફેરી સર્વિસમાં ભાડાં વધારી દેવાયાં હતાં.
હજારો બ્રિટિશર્સ ફ્રાન્સમાં ઉનાળાની રજાઓ વીતાવી રહ્યા છે અથવા ત્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે શનિવારની બપોરથી પરત ફરનારા પ્રવાસીઓ સહિત તમામ માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત બનાવી દેતા લોકોએ સમયસર પાછા ફરી જવા દોડધામ મચાવી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે શનિવારની બપોર પહેલા યુકે પરત આવી જનારા લોકોએ કાનૂની રીતે ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં જવું પડશે નહિ.
અંદાજે ૫૦૦,૦૦૦ બ્રિટિશર રજાઓ ગાળવા ફ્રાન્સ પહોંચેલા છે. ફ્રાન્સને યુકેના ક્વોરેન્ટાઈન લિસ્ટમાં મૂકી દેવાયા સાથે પર્યટકોમાં યુકે પરત ફરવાની જાણે હોડ મચી હતી. આની જાહેરાત સાથે ફ્લાઈટ્સ, ટ્રેઈન્સ અને ફેરીઝ દ્વારા ભાવ વધારી દેવાયા હતા. બ્રિટિશ પર્યટકો ક્વોરેન્ટાઈનથી બચવા સેંકડો પાઉન્ડ ચૂકવવા તૈયાર થયા હતા પરંતુ, ભારે ધસારાના કારણે તેમને જગ્યા પણ મળતી ન હતી. પેરિસથી લંડનની બ્રિટિશ એરવેઝની સૌથી સસ્તી ફ્લાઈટની ટિકિટ પણ ૪૫૨ પાઉન્ડમાં વેચાઈ હતી. આ જ રીતે, યુરોસ્ટાર ટ્રેઈનની સસ્તી ટિકિટ ૨૧૦ પાઉન્ડ તેમજ યુરોટનલ લે શટલ પર ચેનલ ટનલ થઈને કાર લઈ જવાનો ખર્ચ ૨૬૦ પાઉન્ડ હતો.
ફ્રાન્સ લોકડાઉનમાંથી બહાર આવ્યા પછી ગુરુવાર ૧૩ ઓગસ્ટે નવા સૌથી વધુ ૨,૬૬૯ અને બુધવારે ૨,૫૨૪ કોરોના વાઈરસ કેસ નોંધાયા હતા. આના પરિણામે યુકેએ તેને ૧૪ દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઈન લિસ્ટમાં મૂકી દીધું હતું. નિયમોની સમીક્ષા પછી નેધરલેન્ડ્સ, મોનાકો, માલ્ટા અને પોર્ટુગલ પણ આ યાદીમાં ઉમેરાયા હતા. અગાઉ, સ્પેન અને બેલ્જિયમને પણ ફરજિયાત ક્વોરેન્ટાઈન લિસ્ટમાં મૂકી દેવાયા હતા.
ક્વોરેન્ટાઈન થવું પડે તો વિદેશ કોણ જાય?
યુરોપના મોટા ભાગના દેશોમાં કોરોના વાઈરસ કેસીસ વધી રહ્યા છે ત્યારે બ્રિટને આવા દેશમાં રજાઓ ગાળવા ગયેલા બ્રિટિશરોને દેશમાં પરત ફર્યા પછી ૧૪ દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઈનની જાહેરાત કરી છે. લગભગ બે તૃતીઆંશ (૬૨ ટકા) બ્રિટિશર કહે છે કે પરત ફર્યા પછી ૧૪ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે તેના કરતાં વિદેશમાં રજા ગાળવા ન જવું સારું. જોકે, ૧૦ ટકા બ્રિટિશર વિદેશમાં જવા તૈયાર છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા કરાયેલા ગ્રેટ બ્રિટનના ૧,૪૨૪ વયસ્કોના ઓપિનિયન્સ એન્ડ લાઈફસ્ટાઈલ સર્વે મુજબ ૨૦ ટકા પુખ્ત લોકોએ ક્વોરેન્ટાઈન નિયંત્રણોની શક્યતા ધ્યાનમાં રાખી તેમના વિદેશ પ્રવાસની યોજના રદ કરી નાખી છે. ૧૪ ટકા લોકોએ આ વર્ષે યુકેમાં જ રજાઓ ગાળવા જશે તેમ કહ્યું છે. ૨૮ ટકાએ કહ્યું હતું કે તેમની વિદેશમાં રજાઓ ગાળવાની યોજના હતી. બીજી તરફ, ક્વોરેન્ટાઈનની શક્યતા છતાં ૯ ટકા લોકોએ તેઓ વિદેશયાત્રા કરી શકે છે તેમ જણાવ્યું હતું. ત્રીજા ભાગના લોકોએ કહ્યું હતું કે તેમના પરિવારને આ વર્ષે વિદેશમાં એક સપ્તાહની રજાઓ માણવાનું પોસાય તેમ નથી. બીજી તરફ, ૫૯ ટકાએ તેમને રજાઓ ગાળવાનું પોસાઈ શકે તેમ હોવાનું જણાવ્યું હતું.