લંડનઃ ચાર્લી હેબ્દોમાં પ્રકાશિત મુહમ્મદ પયગમ્બરના કાર્ટુન્સનો બચાવ કરવાના ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંના વલણ સામે લંડનમાં સેંકડો દેખાવકારોએ ૩૦ ઓક્ટોબરે ફ્રેન્ચ દૂતાવાસ સામે દેખાવો કર્યા હતા. બે સપ્તાહ અગાઉ પેરિસના સબર્બમાં આ મુદ્દે એક શિક્ષક સેમ્યુઅલ પાટી અને નાઈસમાં ત્રણ વ્યક્તિની હત્યા પછી મેક્રોંએ કહ્યું હતું કે ફ્રાન્સ પોતાના મૂલ્યો છોડી દેશે નહિ અને હિંસાને સાંખી લેશે નહિ. સમગ્ર વિશ્વમાં ફ્રાન્સ સામે ઈસ્લામિક વિરોધનો જુવાળ સર્જાયો છે.
ચાર્લી હેબ્દો કાર્ટુન્સ મુદ્દે ફ્રેન્ચ પ્રમુખ મેક્રોંના વલણથી નાખુશ મુસ્લિમ દેખાવકારો લંડનમાં ફ્રેન્ચ દૂતાવાસ સામે એકત્ર થયા હતા અને પયગમ્બર માટે સન્માનની માગણી સાથે વિરોધ પ્રગટ કર્યો હતો. ‘અમારા પ્યારા પયગમ્બરનું અપમાન સાંખી નહિ લઈએ’, ‘મેક્રોં પૃથ્વી પરનો સૌથી મોટો ત્રાસવાદી છે’, ‘અપમાન એટલે વાણી સ્વાતંત્ર્ય નહિ’ સહિતના સૂત્રો સાથેના પાટિયા સાથે મુસ્લિમોએ રોષ વ્યક્ત કર્યો હતો. ફ્રેન્ચ પ્રમુખને રાક્ષસ તરીકે ચીતરવામાં આવ્યા હતા.
લંડનની ફ્રેન્સ એમ્બેસીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, અમારા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, માનવા કે નહિ માનવા અને બંધુત્વ સાથે રહેવાના મૂલ્યો વિરુદ્ધ ફ્રાન્સ ત્રાસવાદી હુમલાઓનું લક્ષ્ય બની ગયું છે. અમે જે છીએ, સ્વતંત્ર, સહિષ્ણુ રાષ્ટ્ર તેમજ લોકશાહીના માનવતાવાદી મૂલ્યો માટે ગૌરવપૂર્ણ તે જ રહીશું.
દરમિયાન, મેટ્રોપોલીટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્રેન્સ એમ્બેસીની બહાર દેખાવો થયા હતા જેને શાંતિથી વિખેરી દેવાયા હતા. કોવિડ નિયમોનું પાલન નહિ કરનારી ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
બુરખા પર પ્રતિબંધ, ધાર્મિક સ્થળો અંગે જુદા જુદા નિર્ણયોથી ફ્રાન્સ અને ઈસ્લામિક દેશો વચ્ચે ખેંચતાણ વધી છે. પયગમ્બર સાહેબના કાર્ટુન બનાવતા ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા શિક્ષક સહિત ચાર લોકોની હત્યાથી આ મામલો વધુ ગંભીર બની ગયો છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ કહ્યું છે કે પયગમ્બરના કાર્ટુન બનાવનારાને સમર્થન આપતા નથી પરંતુ, હિંસા સાંખી નહિ લઈએ.