બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની યુકે મુલાકાતઃ ઓક્સફર્ડ યુનિ.માં સંબોધન

Wednesday 02nd April 2025 07:13 EDT
 
 

લંડનઃ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 23 માર્ચથી 6 દિવસ માટે યુકેની મુલાકાત લીધી હતી. અહીં તેમના મુખ્ય ત્રણ કાર્યક્રમો હતા. લંડનનું હવામાન પ્રકાશમય અને હળવું હતું ત્યારે મુખ્યમંત્રી બેનરજી હાઈડ પાર્ક અને વિક્ટોરિયા એમ્બેન્કમેન્ટ ખાતે પત્રકારો અને ડેલિગેટ્સ સાથે ઝડપથી ચાલતાં જોવાં મળ્યાં હતાં. બુધવાર સવારે ટાવર બ્રિજ સુધી જવા દરમિયાન તેમણે પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મમતા બેનરજીની યુકેની આ ત્રીજી મુલાકાત હતી. તેમણે ગુરુવાર 27 માર્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કેલોગ કોલેજ ખાતે લેક્ચર આપ્યું હતુ. આ પછી કોલેજના પ્રેસિડેન્ટ પ્રોફેસર જોનાથન મિચી અને બીનુ ટ્યુડોર ફેલો લોર્ડ કરણ બિલિમોરિયા સાથે વાર્તાલાપમાં સામેલ થયાં હતાં. તેઓ 24 માર્ચે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની સંગીતા દોરાઈસ્વામીના આમંત્રણને માન આપી પોતાના પ્રતિનિધિમંડળ સાથે ઈન્ડિયા હાઉસમાં હાઈ ટી રિસેપ્શનમાં જોડાયાં હતાં. ડેપ્યુટી ભારતીય હાઈ કમિશનર સુજિત ઘોષ પણ તેમાં સામેલ થયા હતા.

કોલકાતાથી લંડન સુધી ડાયરેક્ટ ફ્લાઈટની માગ

ગાંધી હોલમાં પ્રવચન આપતાં મુખ્યમંત્રી બેનરજીએ હાઈ કમિશનરને ડાયસ્પોરા માટે કોલકાતાથી લંડન સુધી ડાયરેક્ટ ફ્લાઈટ પુનઃ શરૂ કરાવવા મદદની વિનંતી કરી હતી. વાતચીત મુખ્ત્વે બંગાળની સંસ્કૃતિ, કળા, અને હસ્તકૌશલ્ય પર જ કેન્દ્રિત થઈ હતી અને તેનું સમાપન રવિન્દ્રનાથ ટાગોર લિખિત પ્રસિદ્ધ ગીત સાથે થયું હતું. આ પછી, ઈન્ટરએઅક્ટિવ સેશનમાં મુખ્યમંત્રી સાથે આવેલા ડેલિગેટ્સે વેસ્ટ બંગાળમાં સફળ બિઝનેસીસ ચલાવવાના અનુભવો સહુને જણાવ્યા હતા. મુખ્યમંત્રીએ કોલકાતામાં તાજેતરના બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટમાં જે ઝડપે કામગીરી કરાઈ અને ઈન્વેસ્ટમેન્ટસની ખાતરી પછીના કાર્યો વિશે સમજ આપી હતી. ઓડિયન્સમાં ઉપસ્થિત મહેમાન અને ઓક્સફર્ડ નેનોપોર ટેકનોલોજીસના ચીફ સાયન્ટિફિક ઓફિસર ડો. લાકમલ જયસિંઘેએ બંગાળમાં રોકાણો કરવાની હાકલને અનુલક્ષી જણાવ્યું કે તેઓ થોડા સમ્યમાં ભારત જવાના છે અને બેંગલોરમાં ઓફિસ શરૂ કરશે. કોલકાતાની મુલાકાત લઈ પશ્ચિમ બંગાળમાં બિઝનેસ વિસ્તારવાનું ગમશે તેમ પણ જણાવ્યું હતું.

સફળ બિઝનેસ બેઠકનું આયોજન

મંગળવાર 25 માર્ચે FICCI, UKIBC અને WBIDC દ્વારા સફળ બિઝનેસ બેઠકનું આયોજન કરાયું હતું. બિઝનેસ, કોમ્યુનિટી અગ્રણીઓ અને વિચારકો સહિત 150 લોકોએ બેઠકમાં ભાગ લીધો હતો. સત્ર શરૂ થવા અગાઉ લોર્ડ સ્વરાજ પોલે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી બેનરજી ઉપરાંત ભારતીય હાઈ કમિશનર દોરાઈસ્વામી, UKIBC ના ચેરમેન રિચાર્ડ હીલ્ડ OBE અને FICCI ના પ્રેસિડેન્ટ હર્ષવર્ધન અગ્રવાલે પણ બેઠકને સંબોધનો કર્યા હતા. મમતા બેનરજીએ અહીં પણ લંડન અને કોલકાતા વચ્ચે ડાયારેક્ટ ફ્લાઈટની જરૂરિયાતનો પુનરૂચ્ચાર કરતાં જણાવ્યું હતું કે જે કોઈ એરલાઈન્સ પ્રથમ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે તેને બંગાળ સરકાર ફ્યૂલ અને અન્ય ડિસ્કાઉન્ટ્સ ઓફર કરશે. તેમણે બેઠકમાં બંગાળનો જીડીપીએ ભારતના જીડીપીને વટાવી દીધાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની સરકાર બેરોજગારીમાં 46 ટકાનો ઘટાડો કરવામાં સફળ રહી હોવાનું પણ જણાવ્યું હતું.

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંબોધન

મુખ્યમંત્રી મમતા બેનરજીએ પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીને સાથે રાખી ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને બોડલિયન લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. તેમણે કેલોગ કોલેજમાં 200 લોકોના ઓડિયન્સ સમક્ષ સંબોધન કર્યું હતું જેમાં, નેતૃત્વ, મહિલા અધિકારો અને સામાજિક વિકાસને આગળ વધારવાની તેમની કામગીરીને આવરી લેવાઈ હતી. તેમણે બંગાળમાં શાખાઓ ખોલવા ઓક્સફર્ડ યુનિવર્સિટીને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે SFI-UK ના મનાતા કેટલાક વિરોધીઓએ સંબોધનમાં ખલેલ પહોંચાડી હતી જેમને શાંત પાડવા બેનરજીએ મીઠાશથી પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter