લંડનઃ બ્રિટનની રહેવાસી લીહ શુટકેવેર ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકી છે. જોકે આજકાલ તે એક નવીન ચેલેન્જને કારણે અખબારોમાં ચમકી છે. તેણે આમ આદમી જે ભોજન એક અઠવાડિયામાં કરે છે તેટલી કેલોરીનું ભોજન એક બેઠકે ખાઇને નવો વિક્રમ પોતાના નામે કર્યો છે. બ્રિટનના સૌથી ખાઉધરા લોકો પૈકી એક લીહે દેશની સૌથી મોટી બ્રેકફાસ્ટ ચેલેન્જનો રેકોર્ડ તોડ્યો છે. તેણે એક સાથે 8000 કેલોરીવાળું ભોજન પેટમાં પધરાવવાની આ ચેલેન્જ માત્ર 8 મિનિટમાં પૂરી કરી હતી. ખાવાના મામલે લીહના નામે 27 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ છે. લીહ કહે છે કે એ તો બાળપણથી જ ખાવાની શોખીન છે. તેના આ શોખને કારણે જ આજે તેણે ખાવાને લગતા ઘણા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.