લંડનઃ ભારતીય વિદ્યાર્થિની સાથેના કથિત પ્રેમસંબંધોના આરોપો સામનો કરી રહેલા બકિંગહામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સસ્પેન્ડ કરી દેવાયા છે. 65 વર્ષીય પ્રોફેસર જેમ્સ ટૂલી પર એક ભારતીય વિદ્યાર્થિની સાથે પ્રેમ સંબંધ હોવાનો અને તેમણે તેની ફી ચૂકવવામાં પણ મદદ કરી હોવાનો આરોપ મૂકાયો છે. ટૂલીના મિત્રો અને સહયોગીઓએ દાવો કર્યો છે કે તેમને 8 સપ્તાહ પહેલાં સસ્પેન્ડ કરાયાં છે અને આ તેમને હાંકી કાઢવાનો પ્રયાસ હોઇ શકે છે. ટૂલીના સમર્થકો કહે છે કે બકિંગહામ યુનિવર્સિટી ખાતેની તેમની નીતિઓના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.
હાલ તેમની સામે મૂકાયેલા આરોપોની તપાસ ચાલી રહી છે. ટૂલી પર તેમની પત્ની સિન્થિયા દ્વારા જ આરોપો મૂકાયા છે. હાલ સિન્થિયાએ ટૂલીને તરછોડી દીધાં છે. તેમણે પુરાવા તરીકે ભારતીય મહિલા દ્વારા લખાયેલી ડાયરીની નકલો સોંપી છે.