લંડનઃ ઇંગ્લેન્ડમાં બસની ભાડા મર્યાદા 2 પાઉન્ડથી વધારીને 3 પાઉન્ડ કરવામાં આવી રહી છે. આગામી બજેટમાં તેની ઘોષણા થઇ જશે તેમ વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું. કોરોના મહામારી બાદ જનતા જાબેર પરિવહનના ઉપયોગ માટે પ્રોત્સાહિત થાય તે માટે અગાઉની કન્ઝર્વેટિવ સરકારે બસ ભાડા પર 2 પાઉન્ડની મર્યાદા લાગુ કરી હતી.
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ટોરી સરકારે 2024ના અંત સુધી જ બે પાઉન્ડની ભાડા મર્યાદા પર ફંડ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું હતું તેથી 2024માં તેનો અંત આવી રહ્યો છે. હું નથી જાણતો કે આ મામલો કેટલો મહત્વનો છે કારણ કે ગ્રામીણ સમુદાયો બસો પર વધુ નિર્ભર રહે છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, બજેટમાં અમે જાહેરાત કરવા જઇ રહ્યાં છીએ કે 2025ના અંત સુધી બસ ટિકિટની ભાડા મર્યાદા 3 પાઉન્ડ રહેશે. અમે જાણીએ છીએ કે બસ સેવાઓ કેટલી મહત્વની છે.
તેનો અર્થ એ થયો કે બસ ભાડામાં વધારો થવા જઇ રહ્યો છે. તેનો સીધો બોજો નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ જતા દર્દીઓ પર પડશે.
ઇંગ્લેન્ડની કાઉન્સિલોએ 2023-24માં પાર્કિંગ ફી પેટે 1 બિલિયન પાઉન્ડ વસૂલ્યા
ઇંગ્લેન્ડમાં કાઉન્સિલો દ્વારા 2023-24ના નાણાકીય વર્ષમાં પાર્કિંગ ફી પેટે 1 બિલિયન પાઉન્ડ કરતાં વધુની વસૂલાત કરાઇ હતી. ઇંગ્લેન્ડની કાઉન્સિલોમાં સડકો પર થતા પાર્કિંગની ફી પેટે 698.7 મિલિયન પાઉન્ડ અને અન્ય સ્થળોએ થતા પાર્કિંગની ફી પેટે 340.4 મિલિયન પાઉન્ડની વસૂલાત કરાઇ હતી. 2022-23ના નાણાકીય વર્ષમાં કાઉન્સિલોએ પાર્કિંગ ફી પેટે 962.3 મિલિયન પાઉન્ડની આવક કરી હતી. કાઉન્સિલોને પાર્કિંગ ફી પેટે થતી આવક 1 બિલિયન પાઉન્ડને વટાવી ગઇ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી કાઉન્સિલો માટે આ આવક રાહત સમાન પૂરવાર થઇ હતી.