લંડનઃ 30 ઓક્ટોબરના નિર્ધારિત દિવસ પહેલાં અમેરિકન ટેલિવિઝન ચેનલો સમક્ષ બજેટ જોગવાઇઓનો ખુલાસો કરી દેવા માટે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે ચાન્સેલર રાચેલ રીવ્ઝની આકરી ટીકા કરી છે.
સર હોયલે જણાવ્યું હતું કે, ચાન્સેલર સરકારના ફિસ્કલ રૂલમાં બદલાવ કરવા જઇ રહ્યાં છે તેવા સંકેતો રાચેલ રીવ્ઝે ગયા સપ્તાહની અમેરિકા મુલાકાત દરમિયાન જાહેર કરી દીધાં હતાં જે સંપુર્ણપણે અસ્વીકાર્ય છે. સરકારની ફિસ્કલ પોલિસી અને પબ્લિક ફાઇનાન્સ પર વ્યાપક અસરો કરે તેવી નવી પોલિસીની મહત્વની જાહેરાતો સરકાર દ્વારા કરી દેવાઇ હતી જે સૌથી પહેલાં સાંસદો સમક્ષ રજૂ કરવાની હોય છે.
રાચેલ રીવ્ઝે સંકેત આપ્યા હતા કે 50 બિલિયન પાઉન્ડ ઊભા કરવા માટે તેઓ બજેટમાં ફિસ્કલ રૂલ્સમાં બદલાવ કરશે. નિષ્ણાતોના મતે તેના કારણે લાંબા સમય સુધી વ્યાજના દર ઊંચા રહેશે તેથી દેશમાં મોર્ગેજના દરો પણ વધવાનું જોખમ સર્જાશે.
સર લિન્ડસેએ જણાવ્યું હતું કે, બજેટની જોગવાઇઓની અગાઉથી જાહેરાત કરી દેવી તે હાઉસ ઓફ કોમન્સનું અપમાન છે. ચાન્સેલર દ્વારા બજેટના એક સપ્તાહ પહેલાં જ કરી દેવાયેલી જાહેરાતથી હું ઘણો હતાશ છું. 30 ઓક્ટોબરે રજૂ થનારા બજેટમાં હવે તેનું પુનરાવર્તન જ જોવા મળશે. ચાન્સેલરે સાંસદોને અંધારામાં રાખીને વિશ્વ સમક્ષ જાહેરાત કરી તે તદ્દન અસ્વીકાર્ય છે.