લંડનઃ સરકારે બજેટમાં મૂકેલા કાપને કારણે હજારો લોકલ ફાર્મસી બંધ થવાની શક્યતા છે. તેની કડવી અસર નજીકની ફાર્મસી સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપતા ગ્રામીણ વિસ્તારોના લોકોને થશે. હેલ્થ મિનિસ્ટર એલિસ્ટિર બર્ટે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષના અંતે ૧૭૦ મિલિયન પાઉન્ડની સબસિડી નાબૂદ કરાશે. તેથી ઈંગ્લેન્ડની ૧૨,૦૦૦માંથી ૩,૦૦૦ કોમ્યુનિટી ફાર્મસી બંધ થવાનો અંદાજ છે.
સરકારે ગયા ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે ઓક્ટોબરથી અમલી બને તેમ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન કેમિસ્ટસ માટેના બજેટમાં ૧૭૦ મિલિયન પાઉન્ડનો કાપ મૂકશે. મિનિસ્ટરોની દલીલ છે કે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા સીધું ફંડ મેળવતી એક જ વિસ્તારની ફાર્મસીઓની સંખ્યા ઘટાડવા માગે છે.
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ફાર્મસીઓને બંધ ધતી અટકાવવા લડત હાથ ધરી છે. તાજેતરમાં લેબર પાર્ટીના માઈકલ ડઘર, ટોરી ડેરેક થોમસ અને લીબરલ ડેમોક્રેટના પૂર્વ હેલ્થ મિનિસ્ટર નોર્મન લેમ્બ સહિત સાંસદોના ક્રોસ પાર્ટી ગ્રૂપે આ કાપના વિરોધમાં સરકારને અરજી સુપરત કરી હતી. રાજકીય નેતાઓએ સરકારની યોજના સામે વિરોધ દર્શાવતા ચિંતા વ્યક્ત કરી હતી કે ઘણા વિસ્તારો લોકલ કેમિસ્ટની સુવિધા વિનાના થઈ જશે.
ઘણી કોમ્યુનિટીઓમાં રૂરલ કેમિસ્ટસની મહત્ત્વની ભૂમિકાની ઘોર ઉપેક્ષા કરીને ઘણી ફાર્મસીને આર્થિક સહાય બંધ કરવાની દરખાસ્ત ઘડાઈ છે. ડોક્ટરના ક્લિનિકથી દૂર રહેતા તેમજ નજીક રહેતા હોય તો પણ એપોઈન્ટમેન્ટ મેળવવામાં મુશ્કેલી વેઠતા લોકો માટે ફાર્મસી મેડિકલ હેલ્પનો આવશ્યક સ્ત્રોત બની શકે છે.