બજેટમાં મધ્યમવર્ગને ભારે છૂટછાટોની સંભાવનાઃ પેન્શન સુધારામાં પીછેહઠ

Tuesday 08th March 2016 14:30 EST
 
 

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૬ માર્ચે રજૂ કરાનારા બજેટમાં મધ્યમ વર્ગ માટે ભારે છૂટછાટોનું બોનસ જાહેર કરે તેવી શક્યતા છે. ચાન્સેલર મધ્યમવર્ગીય લોકોની આવક એ સ્તરે લઈ જવા માગે છે કે તેઓ આવકવેરાનો ઊંચો દર ચુકવતા થાય. તેઓ ટેક્સનો દર ૪૫ પેન્સથી ઘટાડી ૪૦ પેન્સ કરે તેવી પણ શક્યતા છે. ઓસ્બોર્નને ઊંચી કમાણી કરનારા લોકોને કરરાહતમાં કાપ, પેન્શન સુધારાના પેકેજ સહિતના પગલાં પડતા મૂકવાની ફરજ પડી છે. ચાન્સેલર કાઉન્સિલ પેન્શન ફંડ્સના વિલિનીકરણથી રચાયેલા ૧૦૦ બિલિયન બ્રિટિશ સોવરિન વેલ્થ ફંડની જાહેરાત કરવા સાથે બ્રિટનના રેલ નેટવર્કના અંશતઃ ખાનગીકરણની યોજના પણ લાવી શકે છે.

અત્યારે લોકો ૪૨,૩૮૫ પાઉન્ડ કમાય ત્યારે ૪૨ પેન્સના દરે ટેક્સ ચુકવવો શરૂ કરે છે. એપ્રિલથી તે વધીને ૪૩,૦૦૦ પાઉન્ડ અને આગામી વર્ષે ૪૩,૩૦૦ પાઉન્ડ થશે. જોકે, ઓસ્બોર્ન ૨૦૨૦ સુધીમાં ૫૦,૦૦૦ પાઉન્ડનું લક્ષ્ય ઝડપથી પાર પાડવા માગે છે. ટેક્સને પાત્ર થતા પહેલા સિંગલ પર્સન એલાવન્સ ધારણા કરતા વધુ ઝડપથી વધી શકે છે. એપ્રિલથી આ એલાવન્સ વધીને ૧૦,૮૦૦ પાઉન્ડ અને આગામી વર્ષે ૧૧,૦૦૦ પાઉન્ડ થશે. ઓસ્બોર્ન ૨૦૨૦ સુધીમાં એલાવન્સ ૧૨,૫૦૦ પાઉન્ડ કરવા ઈચ્છે છે.

ઓસ્બોર્ન ટેક્સનો સર્વોચ્ચ દર પાઉન્ડના ૪૫ પેન્સથી ઘટાડી ૪૦ પેન્સ કરવાની શક્યતા પણ તપાસી રહ્યા છે. આંકડા અનુસાર સર્વોચ્ચ દર ૫૦ પેન્સથી ઘટાડી ૪૫ પેન્સ કરાયો ત્યારે સોસાયટીમાં વાર્ષિક ૧૮ બિલિયન પાઉન્ડનો ધરખમ વધારો જોવાં મળ્યો હતો. જોકે, ઈયુ રેફરન્ડમ અગાઉ ટોરી પાર્ટી ધનિકોને લાભ કરાવવા માગે છે તેવી છાપ મતદારો પર પડે તેમ કેમરન ઈચ્છતા ન હોવાથી આ પગલું નહિ લેવાય તેમ મનાય છે. ઉદ્દામવાદી પેન્શન સુધારાની દરખાસ્તોમાં કામ કરતા તમામ લોકોને પેન્શર ટેક્સ રાહત છીનવાઈ જાય તેવા ‘પેન્શન્સ Isa’ની રચનાનો પણ સમાવેશ કરાયો હતો.

આવકજાવકની સમતુલા લાવવા ઓસ્બોર્ન ફ્યુલ ડ્યુટી વધારી શકાય કે કેમ તે પણ ચકાસી રહ્યા છે. એક મિનિસ્ટર કહે છે કે, નાણા ઉભાં કરવાનો સૌથી સરળ માર્ગ પેટ્રોલ પર બે પેન્સ ડ્યુટી વધારવાનો છે. હાલના તબક્કે પેટ્રોલનો ભાવ એટલો ઓછો છે કે લોકો તફાવત નોંધી નહિ શકે.’ વરિષ્ઠ ટોરી સભ્યો કહે છે કે ફૂગાવાની હદમાં લેવી વધી શકે તેમ છે. ટોરી સાંસદો ખર્ચામાં ભારે કાપ, ઈન્કમટેક્સના નીચા દર અને કેપિટલ ગેઈન્સ ટેક્સમાં ઘટાડાની તરફેણ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter