લંડનઃ બજેટમાં રજૂ કરાયેલા સુધારાના કારણે ઇંગ્લેન્ડનું એડલ્ટ સોશિયલ કેર સેક્ટર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આગામી એક વર્ષમાં સોશિયલ કેર સેક્ટરને 2.8 બિલિયન પાઉન્ડનો વધારાનો બોજો વહન કરવો પડશે.
ન્યૂફિલ્ડ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારાના કારણે સેક્ટર પર આગામી વર્ષે 940 મિલિયન પાઉન્ડનો બોજો પડશે. તે ઉપરાંત નેશનલ લિવિંગ વેજમાં વધારાના કારણે સોશિયલ કેર પ્રોવાઇડર્સ પર વધારાના 1.85 બિલિયન પાઉન્ડનો બોજો પડશે.
ટ્રસ્ટે ચેતવણી આપી છે કે જો કાઉન્સિલો સોશિયલ કેર પ્રોવાઇડર્સને ઊંચી ફી ચૂકવી નહીં શકે તો ઘણા નાના પ્રોવાઇડર્સને દુકાનને તાળા મારવાની નોબત આવશે. ચેરિટીના ડેપ્યુટી ડિરેક્ટર નતાશા કરીએ જણાવ્યું હતું કે, દાયકાઓના કાપના કારણે સોશિયલ કેર સેક્ટર નાજૂક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. મોંઘવારી અને કોરોના મહામારીના કારણે એડલ્ટ સોશિયલ કેર સેક્ટરને તાત્કાલિક સહાયની જરૂર છે.