લંડનઃ બટાકા ખૂબ જ ભાવતાં હોય તેવી મહિલાઓને સગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થવાનું જોખમ વધુ રહે તેવી ચેતવણી નવા અભ્યાસમાં અપાઈ છે. પોતાનું વજન ધ્યાનમાં રાખીને અઠવાડિયામાં બટાકાના બેથી ચાર સર્વિંગ્સ ખાનારી સ્ત્રીઓ પણ પ્રેગનન્સીમાં ડાયાબીટીસનું ૨૭ ટકા વધુ જોખમ રહે છે. ૨૧,૦૦૦થી વધુ પ્રેગનન્સીના ૧૦ વર્ષના અભ્યાસને બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ કરાયો છે.
સંશોધકોએ બાફેલાં, શેકેલાં, છૂંદેલાં અને તળેલાં બટાકાના ઉપયોગનું વિશ્લેષણ કર્યું હતું. સપ્તાહમાં બટાકાનું એકથી ઓછું સર્વિંગ ખાતી સ્ત્રીઓની સરખામણીએ એક સર્વિંગ ખાતી સ્ત્રીને ૨૦ ટકા જોખમ વધે છે, જ્યારે પાંથી વધુ સર્વિંગ ખાતી સ્ત્રીને જોખમ ૫૦ ટકા જેટલું વધી જાય છે. એક સર્વિંગમાં એક બાફેલો કે શેકેલો બટાકો, ૧૧૩ ગ્રામ તળેલાં તેમજ છૂંદેલા બટાકાના ૨૩૭ ml. રગડાનો સમાવેશ થાય છે. સ્ત્રીઓ સપ્તાહમાં બટાકાના બદલે અન્ય શાકભાજી, કઠોળ, મસૂર અને આખા ધાનના બે સર્વિંગ ખાય તો સગર્ભાવસ્થામાં ડાયાબીટીસનું જોખમ ૯થી ૧૨ ટકા જેટલું ઘટે છે.