લંડનઃ વડાપ્રધાનપદે નિયુક્ત થયા પછી સર કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે બદલાવની કામગીરી તાત્કાલિક શરૂ થઇ રહી છે. અમે સુશાસનની સરકાર સાથે જનતાનો રાજનીતિમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરીશું. મારી સરકાર તમારી સેવા કરશે. રાજનીતિ સારું પરિબળ બની શકે છે. અમે બદલાવની કામગીરી તાત્કાલિક શરૂ કરી રહ્યાં છીએ. અમે બ્રિટનનું પુનઃનિર્માણ કરીશું તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
આ પહેલાં સંસદની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે સેન્ટ્રલ લંડનમાં સમર્થકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે આ કામ કરી બતાવ્યું છે. બ્રિટન હવે આશાના સુર્યપ્રકાશની નવી સવાર જોઇ શકશે. તેના આડેના અવરોધો આખરે દૂર થઇ ગયાં છે.
જોકે સ્ટાર્મરે સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, આટલો મોટો જનધારા મહાન જવાબદારી પણ સોંપે છે. હું રાષ્ટ્રીય સ્તરે બદલાવ માટે પ્રતિબદ્ધ છું. આપણા દેશને એકજૂથ રાખતાં આદર્શો પુનર્જિવિત કરવાનું અમારું લક્ષ્યાંક છે.
સ્ટાર્મરે તેમના સમર્થકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, તમે આ વિજય માટે અભિયાન ચલાવ્યું અને લડત આપી. હવે તે વિજય આવી પહોંચ્યો છે. દેશમાં બદલાવની શરૂઆત થઇ ચૂકી છે.