લંડનઃ ઈયુ રેફરન્ડમનું પરિણામ આવ્યા પછી વડા પ્રધામ ડેવિડ કેમરને પ્રમુખ બરાક ઓબામા અને યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ઓબામાએ રેફરન્ડમનું પરિણામ ચર્ચવા પ્રાઈમ મિનિસ્ટરને ફોન કર્યો હતો. પ્રેસિડેન્ટે યુએસ અને યુકે અનિવાર્ય ભાગીદાર હોવા પર ભાર મૂક્યો હતો અને તેમણે વિવિધ મુદ્દાઓ પરત્વે વડા પ્રધાનની નેતાગીરીની અંગત પ્રશંસા કરી હતી. તેઓ આગામી સપ્તાહોમાં વોર્સો ખાતે નાટો સમિટમાં સંપૂર્ણ ચર્ચા માટે એકમેકને મળવા ઉત્સુક છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘ વડા પ્રધાન કેમરને યુરોપિયન નેતાઓ સાથે અલગ અલગ વાતચીત કરી હતી. આ નેતાઓમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્ક, યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લૌડ જુન્કર, જર્મનવ ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રેન્ચ પ્રમુખ ફ્લાન્કોઈસ હોલાન્ડ, ઈટાલીના પ્રાઈમ મિનિસ્ટર મેટ્ટીઓ રેન્ઝી, ડચ પ્રાઈમ મિનિસ્ટર માર્ક રુટ અને આઈરિશ તાઓઈસિચ એન્ડા કેનીનો સમાવેશ થાય છે.
‘વડા પ્રધાને ઈયુ રીનેગોશિયેશન પ્રોસેસ અને રેફરન્ડમ કેમ્પેઈનમાં તેમના ટેકા બદલ આ તમામ નેતાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. આ નેતાઓએ યુકેને સતત મજબૂત ટેકાની ખાતરી આપી હતી.’