બર્મિંગહામઃ અગ્રણી હેલ્થકેર સંસ્થાઓ અને ચેરિટીઝ સાથે મળીને BAPS ચેરિટીઝ દ્વારા બર્મિંગહામના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ૨૬ જુલાઈએ કોમ્યુનિટી હેલ્થ ફેર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક કોમ્યુનિટીને સઘન આરોગ્ય જાગૃતિ કેળવવા તેમજ સલામત અને સ્વસ્થ જીવનનો સંદેશો આપવાનો હતો. ૧૯૦ લોકોએ તેમાં ભાગ લીધો હતો.
મંદિરમાં આ કાર્યક્રમમાં બર્મિંગહામ સિટી કાઉન્સિલના કાઉન્સિલર બેરી બોલ્સ, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના PC પોલ કોટ્સ અને PCSO રેબેકા સ્ટોન, બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના BME પ્રોજેક્ટ મેનેજર કાઈમ ઝૈદી ઉપસ્થિત હતા. કાઈમ ઝૈદીએ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરને સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. તેમણે BME પ્રોજેક્ટ અને હેલ્થ ફેરથી સમાજના સભ્યોને થતાં લાભના અનુભવો વિશે જણાવ્યું હતું.
૧૦૦થી વધુ લોકોએ કાર્ડિયોવાસ્કુલર હેલ્થ ચેક-અપમાં ભાગ લીધો હતો, જેમાં બ્લડ પ્રેશર રીડિંગ્સ, બોડી માસ ઈન્ડેક્સ, કમરના ઘેરાવા, શરીરની ચરબીની તપાસ અને બ્લડ ગ્લુકોઝ પરીક્ષણો કરાયાં હતાં. આ ઉપરાંત, 35 બાળકો અને પુખ્ત લોકોને પ્રેકટિકલ CPR ટ્રેનિંગ પણ અપાઈ હતી. લોકોએ આવા કાર્યક્રમોથી થતાં લાભ વિશે જણાવ્યું હતું. બોવેલ કેન્સર યુકેના પ્રતિનિધિ નિક જેકોવિવે BAPS ચેરિટીઝના સ્વયંસેવકોના કાર્યની પ્રશંસા કરી હતી.