બર્મિંગહામઃ ભારતના પૂર્વ કેબિનેટ સેક્રેટરી અજીતકુમાર સેઠને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા ‘ડોક્ટર ઓફ ધ યુનિવર્સિટી’ની માનદ્ ડોક્ટરેટ પદવીથી વિભૂષિત કરાયા હતા. સેંકડો ગ્રેજ્યુએટ્સ અને તેમના પરિવારોની હાજરીમાં યુનિવર્સિટીના ઐતિહાસિક ગ્રેટ હોલ ખાતે બુધવાર ૧૫, જુલાઈએ આ કાર્યક્રમ યોજાયો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના અજીતકુમાર સેઠ જૂન, ૨૦૧૧થી ભારત સરકારના ૩૦મા કેબિનેટ સેક્રેટરી હતા અને આ વર્ષે જ તેઓ સેવાનિવૃત્ત થયા છે. તેઓ ભારતમાં દીર્ઘકાલીન સેવા આપનારા કેબિનેટ સેક્રેટરીઓમાં સ્થાન ધરાવે છે. ભારતમાં મુખ્ય બ્યુરોક્રેટ તરીકે નિયુક્તિ પહેલા તેમણે સેક્રેટરિયેટમાં બે વર્ષ સેક્રેટરી ફોર કોઓર્ડિનેશન તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૭૪ની બેંચ (ઉત્તર પ્રદેશ કેડર)માં આઇએએસ અધિકારી હતા.
અજીત સેઠ યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના પૂર્વ વિદ્યાર્થી છે જેમણે ૧૯૯૩માં માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ ફાઇનાન્સ ડિગ્રી હાંસલ કરી હતી. તેમને અભૂતપૂર્વ શૈક્ષણિક પરફોર્મન્સ માટે બર્મિંગહામ ચેમ્બર ઓફ કોમર્સ પણ એનાયત કરાયું હતું. અગાઉ તેમણે નવી દિલ્હીમાંથી માસ્ટર ઇન કેમેસ્ટ્રી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી એમફીલની ડિગ્રી પણ હાંસલ કરેલી છે.
યુનિવર્સિટીના ચાન્સેલર અને મૂળ ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયાએ તેમને આ માનદ ડોક્ટરેટ એનાયત કરતા ખુશી વ્યક્ત કરી હતી. યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા માનદ ડિગ્રી મેળવતા અજીત સેઠે જણાવ્યું હતું કે, મને માનદ ડોક્ટરેટ આપવાના નિર્ણયથી હું યુનિવર્સિટીનો ઘણો આભારી છું અને ગૌરવ અનુભવું છું.