બર્મિંગહામઃ બાંગલાદેશી લિપ ફિલર પ્રેક્ટિશનર ગોલમ ચૌધરીના હાથે હોઠને આકર્ષક બનાવવા ગયેલી ઓછામાં ઓછી ૨૦ મહિલાએ તેઓ સોજા, ઈજા અને ઈન્ફેક્શનથી પીડાઈ રહી હોવાની ફરિયાદ કરી છે. લિપ ફિલિંગ પછી તેમનાં હોઠની હાલત ખરાબ થઈ છે.
બર્મિંગહામમાં અકાર્ડિઆ કેર ક્લિનિક ચલાવતો ૪૧ વર્ષીય ગોલમ ચૌધરી પોતાને બાંગલાદેશના ક્વોલિફાઈડ ડોક્ટર તરીકે ઓળખાવે છે. જોકે, જનરલ મેડિકલ કાઉન્સિલમાં તેનું રજિસ્ટ્રેશન કરાયું નથી. તબીબી તાલીમ વિનાના અણઘડ પ્રેક્ટિશનરો માત્ર ૫૯ પાઉન્ડની નજીવી રકમમાં સ્કૂલગર્લ્સના હોઠ સુડોળ બનાવવા ખતરનાક ઈન્જેક્શન્સ આપે છે. આવી કોસ્મેટિક સારવારથી પારાવાર નુકસાન પણ થાય છે પરંતુ, તેમના પર કોઈ નિયંત્રણોનો અભાવ છે. ચૌધરીએ જણાવ્યું હતું કે તે મેડિસિન અને સર્જરીનો બેચલર છે. તે રજિસ્ટર્ડ મેડિકલ ડોક્ટર હોવાનું કોઈને કદી કહ્યું નથી. મેં યુકેમાં કામ કરવાની ટ્રેનિંગ મેળવી છે.
ચૌધરીએ અંડરકવર રિપોર્ટર્સ સાથે તેના ક્લિનિક પર આવેલી ૧૭ વર્ષીય એલી ડકરને હોઠ સુડોળ બનાવવા લિપ ફિલર ઈન્જેક્ટ કરવાની ઓફર કરી હતી. અગાઉ, વોલ્વરહેમ્પટનની ૨૮ વર્ષીય કેરર હાયલે જારોસ્ઝેએ ઓનલાઈન ઓફર જોઈ ૫૯ પાઉન્ડમાં લિપ ફિલિંગ કરાવ્યું હતું પરંતુ, તેના હોઠ ફાટી ગયા હતા અને ભારે બળતરા થઈ હતી.