અહમદ ગુલના વાર્તાસંગ્રહ ‘અજાણ્યા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રેષ્ઠ નવલિકા સંગ્રહનું પારિતોષિક

Tuesday 06th January 2015 09:22 EST
 
 

ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ તરફથી અહમદ ગુલના નવલિકા સંગ્રહ ‘અજાણ્યાં’ને ૨૦૧૨ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ ‘ગુજરાત દર્પણ’ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ઈંદોર (મધ્ય પ્રદેશ) ખાતે યોજાયેલ ૨૮માં જ્ઞાનસત્રમાં આ પારિતોષિક (એવોર્ડ) અર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સક્રિય અને મૂળ આલીપોર, ગુજરાતના વતની અહમદ ગુલ ૧૯૬૩થી બ્રિટનમાં બાટલી ખાતે વસે છે તેમજ ગુજરાતી રાઈટર્સ ફોરમ બાટલી - યુ.કે.ના સ્થાપક છે.

અહમદ ગુલના ૮ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે અને તેઓ મૂળભૂત રીતે ગઝલકાર તરીકે જાણીતા છે. ‘અજાણ્યાં’ એમનો પ્રથમ નવલિકા સંગ્રહ છે. આ સંગ્રહની વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં નવી જ ભાત પાડે છે. સંગ્રહની વિશિષ્ટતા વિશે મૂર્ધન્ય વિવેચક ડો. બળવંત જાની કહે છે, ‘બ્રિટિશ ગુજરાતી મુસ્લિમ સમાજ વિષય સામગ્રી તરીકે સ્થાન પામે અને વાર્તાઓ આલેખાય ત્યારે એમનું ભાવવિશ્વ સંવેદન વિશ્વ અને વર્ણન વિશ્વ કેવું આગવું સૌંદર્યવિશ્વ સર્જે છે એનું ઉદાહરણ આ ‘અજાણ્યાં’ વાર્તાસંગ્રહ છે. મને આ વાર્તાઓમાંથી આજ સુધી અજાણ્યો રહેલો આલોક અને અજાણ્યાં મહેશનો પરિચય થયો છે.'

આ પ્રસંગે અહમદ ગુલના ગુજરાતી સાહિત્ય પ્રદાનની નોંધ લઈ બ્રિટનના સાહિત્યકારો એમના પારિતોષિક બદલ અભિનંદન પાઠવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter