બર્મિંગહામઃ અફવાઓ બિનતંદુરસ્ત છે, અમારી સાથે વાત કરો કે અમને લખો અને અમે તમને ઉત્તર આપવાની ખાતરી આપીએ છીએ તેવો સ્પષ્ટ સંદેશો ગુજરાતી હિન્દુ એસોસિયેશન બર્મિંગહામ (GHAB) દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સભ્યોને આપવામાં આવ્યો હતો. હિન્દુ સાંસ્કૃતિક સંસ્થા દ્વારા બર્મિંગહામમાં શનિવાર ૨૮ નવેમ્બરે ડિનર અને ડાન્સ કાર્યક્રમ રખાયો હતો. સંસ્થાના સેક્રેટરી સુભાષચંદ્ર પટેલે આપણને ગુજરાતી હોવાનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું.
લોકપ્રિય રાઉન્ડ ટેબલ કાર્યક્રમમાં ઈકોઝ ઈન્ટરનેશનલ લાઈવ બેન્ડ અને રેફલનો સમાવેસ થયો હતો. ૧૯૭૭માં સ્થાપિત અને ૪૦૦ની સભ્યસંખ્યા ધરાવતી આ સંસ્થા દ્વારા દર વર્ષે સમાજમાં સંવાદિતા, સંપ અને તમામ માટે સન્માનને પ્રોત્સાહિત કરવા ઘણા કાર્યક્રમો આયોજિત કરાય છે, તેમાંનો એક આ કાર્યક્રમ હતો.
GHABના સેક્રેટરી સુભાષચંદ્ર બી પટેલે તેમની કારકીર્દિનો મોટા ભાગનો સમય વિશેષતઃ યુવાન ગુજરાતી હિન્દુઓ માટે ગુજરાતી રીતરિવાજો, પ્રણાલીઓ અને ભાષાને પ્રોત્સાહન આપવા પાછળ જ સમર્પિત કર્યો છે. GHAB વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.ghab.org.ukની મુલાકાત લેશો.