બર્મિંગહામઃ ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૧૩ હેઠળ છ ગુના માટે દોષિત ઠરેલા મીડલેન્ડસ્થિત ડિસ્કાઉન્ટ રિટેલર પાઉન્ડલેન્ડ લિમિટેડને ૧૩૪,૦૦૦ પાઉન્ડનો દંડ, કોસ્ટ પેટે ૧૮,૧૬૨ પાઉન્ડ તથા ૧૨૦ પાઉન્ડ વિક્ટીમ સરચાર્જ સહિત ૧૫૨,૨૮૨ પાઉન્ડ ચુકવવા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો હતો.
વિલેનહોલ ખાતે ઓફિસ ધરાવતી પાઉન્ડલેન્ડ લિમિટેડના બર્મિંગહામ સિટી સેન્ટર અને કોર્પોરેશન સ્ટ્રીટમાં સ્ટોર છે. એન્વાયર્નમેન્ટલ હેલ્થ ઓફિસરોને ગત ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અને ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ બર્મિંગહામના સ્ટોરમાં ઉંદરોનો ઉપદ્રવ હોવાનું જણાયું હતું. તેથી બર્મિંગહામ સિટી કાઉન્સિલે તેની સામે કાર્યવાહી કરી હતી.
મુલાકાતમાં અધિકારીઓને સ્ટોરમાં ઉંદરોની લીંડી જોવા મળી હતી. વધુમાં, ગંદકી પણ હતી. તેથી ત્યાંની ખાદ્ય વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક હોવાનું જણાવીને નોટિસ આપી હતી. સ્ટોરમાંથી હાનિકારક વસ્તુઓ હટાવી લેવાતા ૨ માર્ચ, ૨૦૧૫ના રોજ ફરી મુલાકાત લઈને અધિકારીઓએ સ્ટોર શરૂ કરવા પરવાનગી આપી હતી.
ગ્રાહકની ફરિયાદને આધારે ગત ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ અધિકારીઓએ કોર્પોરેશન સ્ટ્રીટસ્થિત પાઉન્ડલેન્ડના બીજા સ્ટોરની મુલાકાત લેતા તેમને સ્ટોરમાં ઠેર ઠેર ઉંદરની લીંડીઓ, ચોકલેટના પેકેટ્સ સહિત અન્ય ખાદ્ય વસ્તુઓના કાતરેલા પેકેટ્સ જોવા મળ્યા હતા. સ્વાસ્થ્યને નુક્સાનકારક વસ્તુઓ હટાવી લેવાયા બાદ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૫ની ફેરમુલાકાતમાં અધિકારીઓએ સ્ટોર ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી.