બર્મિંગહામઃ યુકેની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી વ્યક્તિ ગણાતા બર્મિંગહામ એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ પોલ કીહોને હવાઈ ઉડ્ડ્યન ક્ષેત્રે મીડલેન્ડને વિશ્વના નક્શા પર મૂકવા માટે અથાગ પરીશ્રમ અને પ્રયાસના યોગદાન બદલ મીડલેન્ડ્સ બિઝનેસ એવોર્ડ ૨૦૧૬ એનાયત કરાયો છે.
એવોર્ડ સ્વીકારતા પોલે જણાવ્યું હતું કે એવોર્ડ મળતા તેઓ ખૂબ રોમાંચ અનુભવે છે. તેમણે બર્મિંગહામ એરપોર્ટને સતત મદદરૂપ થવા બદલ આ સિદ્ધિનું શ્રેય મીડલેન્ડના નાગરિકોને આપ્યું હતું. પોલે રોયલ એરફોર્સમાં એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે એવિએશન ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તે પછી તેમણે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે બેલફાસ્ટ, લૂટન અને બ્રિસ્ટલ એરપોર્ટ પર ફરજ બજાવી હતી. ત્યારબાદ ઓક્ટોબર, ૨૦૦૮માં તેઓ બર્મિંગહામ એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા હતા. તેમના સમયમાં આ એરપોર્ટના ઈતિહાસમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે બ્રિટિશ એરોસ્પેસ, સર્કો એવિએશન અને એરપોર્ટ ગ્રૂપ TBI plc સાથે પણ કામ કર્યું છે. પોલ પરિણિત છે અને બે બાળકોના પિતા છે.
બર્મિંગહામ એરપોર્ટ લંડન બહાર યુકેનું ત્રીજું સૌથી મોટું અને એકંદરે યુકેનું સાતમું સૌથી મોટું એરપોર્ટ છે અને આ એરપોર્ટથી દર વર્ષે ૧૧ મિલિયન પેસેન્જરોની અવરજવર થાય છે.