બર્મિંગહામઃ પ્રિમાઈસીસમાંથી ઉડીને રસ્તા પર જતા કચરાનો યોગ્ય નિકાલ ન કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે બિસેલ સ્ટ્રીટમાં આવેલી પ્રિમિયમ હલાલ મીટ એન્ડ પોસ્ટ્રી લિમિટેડને ૨૫,૬૬૧ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એક્ટ,,૧૯૯૦ હેઠળ બર્મિંગહામ સિટી કાઉન્સિલે કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
બોક્સ, ઈન્વોઈસીસ, પ્લાસ્ટિક પેકેજિંગ સહિતનો કન્ટ્રોલ્ડ વેસ્ટ કંપનીના પ્રિમાઈસીસની બહાર અને બિસેલ સ્ટ્રીટમાં વિખરાયેલો પડ્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ પર્યાવરણ આરોગ્ય અધિકારીઓએ ૩૧ માર્ચથી ૧૯ જૂન ૨૦૧૫ વચ્ચે ચાર વખત સ્થળ મુલાકાત લીધી હતી.
કંપની તરફથી કોઈ હાજર ન રહેતા કોર્ટે કંપનીને ૨૪,૦૦૦ પાઉન્ડનો દંડ, કોર્ટ કોસ્ટના ૧,૫૪૧ પાઉન્ડ અને વિક્ટીમ સરચાર્જ તરીકે ૧૨૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો. કંપનીએ ૨૬ મે, ૨૦૧૬ના રોજ દોષિત ન હોવાની દલીલ કરી હતી.
લાયસન્સીંગ એન્ડ પબ્લિક પ્રોટેક્શન કમિટીના અધ્યક્ષ કાઉન્સિલર બાર્બરા ડ્રિંગે જણાવ્યું હતું કે જાહેર સ્ટ્રીટ કે જમીન પર કચરો નાખવા માટે કંપનીનું કોઈ બહાનું ચાલી શકે નહીં. કંપની પાસે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જ જોઈએ. ખાસ કરીને મીટ અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સ સહિત ફૂડ પેકેજિંગ યુનિટોએ કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ.