બર્મિંગહામઃ કાશ્મીરના આતંકવાદી અને ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન જૂથના કમાન્ડર બુરહાન વાનીના મોતની વર્ષીએ બર્મિંગહામમાં ૮ જુલાઈ શનિવારે ‘બુરહાન વાની ડે’ રેલીને અપાયેલી મંજૂરી સિટી કાઉન્સિલે રદ કરી હતી. આતંકવાદીના મોત નિમિત્તે આયોજિત રેલીને પરવાનગી સામે ભારત સરકારના જોરદાર વિરોધના પગલે મંજૂરી રદ કરાઈ હતી.
લંડનસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે યુકેની ફોરેન ઓફિસને પત્ર પાઠવી સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકારે પ્રશ્ન કર્યો હતો કે, ‘બ્રિટિશ સરકારે કઈ રીતે પોતાની ભૂમિ પર આતંકવાદીઓની પ્રશંસા કરતા કાર્યક્રમને મંજૂરી આપી છે? લોકશાહીના નામે અહીં ભારતવિરોધી તત્ત્વોને વધવા દેવાનું યોગ્ય નથી.’
બર્મિંગહામ સિટી કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે કાશ્મીરમાં માનવાધિકાર અત્યાચારની નિંદા કરતી શાંતિપૂર્ણ રેલીને મંજૂરી આપી હતી. જોકે, તેની પ્રચારસામગ્રીની ચિંતા વિશે મૂલ્યાંકન કરાતા અમે પરવાનગી પાછી ખેંચી છે.’ ગયા વર્ષે કાશ્મીરમાં ભારતીય લશ્કરની કાર્યવાહીમાં માર્યા ગયેલા અલગતાવાદી બુરહાન વાનીની પ્રથમ મૃત્યુજયંતી નિમિત્તે યુકેસ્થિત કાશ્મીરી જૂથો દ્વારા શનિવારે વિક્ટોરિયા સ્કવેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.