બર્મિંગહામઃ વડા પ્રધાન ડેવિડ કેમરનને ‘ઈસ્લામોફોબ’ ગણાવતી ટીકા પછી ભારે દબાણના પગલે બર્મિંગહામના ૭૨ વર્ષીય વરિષ્ઠ લેબર કાઉન્સિલર, લોર્ડ મેયર ઉમેદવાર તેમજ બર્મિંગહામ સેન્ટ્રલ મસ્જિદના ચેરમેન મુહમ્મદ અફઝલને રાજીનામું આપવાની ફરજ પડી છે. રાજકારણી અફઝલે એવી પણ ટીકા કરી હતી કે બહુમતી ખ્રિસ્તીઓ શરાબી હોવાથી ઘરેલુ હિંસાનું પ્રમાણ વધુ રહે છે.
મુસ્લિમ વિમેન્સ નેટવર્ક યુકે ચેરિટીની અધ્યક્ષા શાઈસ્તા ગોહિરે પણ અફઝલના રાજીનામાની માગણી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાઉન્સિલરે મુસ્લિમ કોમ્યુનિટીઓમાં બળજબરીથી કરાતા લગ્નો તેમજ ઘરેલુ હિંસાના મુદ્દાઓ નજરઅંદાજ કર્યા છે. અફઝલે એમ જણાવ્યાનું કહેવાય છે કે વર્તમાનમાં સ્ત્રીઓ વધુ શક્તિશાળી અને શિક્ષિત હોય છે. સ્ત્રીઓ કરતા પુરુષોએ ઘરેલું હિંસાનો વધુ સામનો કરવો પડે છે. તેમણે ક્રિશ્ચિયન સમુદાયમાં ઘરેલુ હિંસાની સમસ્યા વધુ હોવાનું પણ જણાવ્યું હતું.
બીજી તરફ, ૩૩ વર્ષથી કાઉન્સિલર રહેલા અફઝલે ડેવિડ કેમરનને ‘ઈસ્લામોફોબ’ ગણાવતી ટીકા કર્યાનું નકાર્યું હતું. જોકે, ધ બર્મિંગહામ મેલ અખબારે આ ટીપ્પણી સંબંધિત રેકોર્ડિંગ શોધી કાઢ્યું હતું.