બર્મિંગહામઃ એક્ઝામ બોર્ડ્સ દ્વારા GCSE અને ‘A’ લેવલ્સમાં ગુજરાતી ભાષા રદ કરવાની સૂચિત યોજના પર ચર્ચા કરવા બર્મિંગહામમાં ગત ગુરુવારે શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કો-ઓર્ડિનેટર જયેશ ચાવડાએ આવો નિર્ણય લેનારાઓ તેમની ચિંતાને ધ્યાનમાં લેશે તેવી આશા સાથે પેરન્ટ્સને પિટિશન પર સહીઓ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
ટાયસ્લીના શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ ખાતે એક કલાકની બેઠક મળી હતી. આ સ્થળે દર શુક્રવારે ગુજરાતી ભાષાના વર્ગો લેવાય છે. વક્તાઓમાં બ્રિટનના પ્રતિષ્ઠિત અને પીઢ ગુજરાતી હેડ-ટીચર રમણભાઈ નરોત્તમ પરમાર, શિક્ષકો ગોપાલભાઈ ચાંપાનેરી અને સરયુબહેન પટેલ, કવિ અને સમુદાયના અગ્રણી કર્મશીલ પ્રફુલભાઈ અમીનનો પણ સમાવેશ થયો હતો. સ્પાર્કહિલ ગુજરાતી સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત સમાચારના સીનિયર ન્યૂઝ એડિટર ધીરેન કાટ્વાએ પેરન્ટ્સને ઘરમાં પણ ગુજરાતી ભાષા બોલવાનો આગ્રહ કરવા સાથે આ અભિયાનને ટેકો આપવાની ખાતરી આપી હતી.
કેટલાંક વર્તમાન અને મુખ્યત્વે વોલન્ટીઅર્સ શિક્ષકો ત્રણ કરતા વધુ દાયકાથી સ્પાર્કહિલ ગુજરાતી સ્કૂલ સાથે સંકળાયેલા છે. સમગ્ર વિશ્વમાં આશરે ૬૫ મિલિયન લોકો ગુજરાતીભાષી છે, જ્યારે ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર ઈંગ્લેન્ડમાં ૨૧૩,૦૦૦ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વધુ માહિતી માટે રમણભાઈ પરમારનો 0121 474 4906 પર સંપર્ક સાધી શકાશે.