બર્મિંગહામઃ સાઉથ યોર્કશાયરમાં વેવર્લી ખાતેની ઓરગ્રીવ કોલ્યરી (કોલસાની ખાણ)ની જગ્યાને સુંદર બનાવીને ત્યાં કોમ્યુનિટી ફોરેસ્ટ ઉભું કરવા માટે કથિતરૂપે £૯૮,૦૦૦ની રકમ લીધા બાદ એક પણ વૃક્ષ નહિ વાવીને છેતરપિંડી કરવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૨૯ વર્ષીય ઉદ્યોગસાહસિક પ્રિતેશ લાડવાને ૨૭ મહિનાની જેલની સજા કરી હતી.
ફરિયાદી ડેનિયલ ઓસ્ક્રોફ્ટે કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં જંગલ હોવું જોઈતું હતું ત્યાં તેવું કશું જ ન હતું. ત્યાં ક્યારેય વૃક્ષ વાવવામાં આવ્યા હોય તેનો પણ પુરાવો ન હતો. વૃક્ષ રોપવા માટે જગ્યા પણ સાફ કરવામાં આવી ન હતી. હકીકત એ છે કે બે અનુભવી ઓફિસર ત્યાં ગયા હતા અને ત્યાં કોઈ કામ થયું જ ન હોવાનું તેમણે જોયું હતું.
લાડવાએ છેતરપિંડી કરી હોવાનો ઈનકાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેણે અને તેના મિત્રે થોડાં છોડ રોપ્યા હતા અને વર્કરોને બાકીના છોડ વાવવા માટે રોકડ પણ ચૂકવી હતી.