જમૈકા, બર્મિંગહામઃ જમૈકાના મોન્ટેગો બેની ૩૩ વર્ષીય બિઝનેસવુમન ડીઆના-રે ક્લેટનના જીવનમાં અજીબોગરીબ ઘટના ઘટી છે. ડીઆના એક ગંભીર કાર અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં કોમામાં રહ્યા પછી જાગી ત્યારે પળવારમાં તેનું જીવન બદલાઈ ગયું હતું. તેની બોલીમાં બ્રિટિશ અને ખાસ કરીને બર્મિંગહામની રહેવાસી હોય તેવા ‘બ્રૂમિ’ ઉચ્ચાર આવી ગયાનું લોકોને ભારે આશ્ચર્ય થાય છે. આનું કારણ એ છે કે ડીઆનાની ભાષા-બોલી સ્થાનિક પેટિઓસ છે અને તેણે કદી યુકેની મુલાકાત લીધી નથી. વધુ નવાઈની વાત એ પણ છે કે પહેલા જમોડી ડીઆના હવે ડાબોડી બની ગઈ છે.
એક વર્ષ અગાઉ ડીઆના-રે ક્લેટન મિત્રો સાથે નેગ્રિલમાં પાર્ટી પછી ઘેર પાછી ફરી રહી હતી ત્યારે ગંભીર કાર અકસ્માત થતા તેની જિંદગી બદલાઈ ગઈ છે. તેના એક મિત્રનું મોત થયું અને બાકીના બેને ગંભીર ઈજા પહોંચી હતી. ડીઆના હોસ્પિટલ પહોંચી ત્યારે બેભાન હતી. અકસ્માતના બે દિવસ પછી તે કોમામાંથી જાગી ત્યારે અમેરિકન ઉચ્ચાર સાથે બોલવા લાગી અને થોડા મહિના પછી તેનાં ઉચ્ચારમાં બ્રિટિશ છાંટ આવી ગઈ હતી. ડોક્ટરો આવી હાલતને ‘ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમ’કહે છે જેમાં વતનની મૂળ બોલીમાંથી અચાનક વિદેશી બોલી બોલાવા લાગે છે. જમૈકામાં આ સિન્ડ્રોમ ધરાવતી ડીઆના એક માત્ર વ્યક્તિ છે. અકસ્માતના લીધે ડીઆના જમણી આંખમાં અંધાપો આવ્યો છે અને શારીરિક અક્ષમતા પણ આવી છે. અગાઉ તે જમોડી હતી પરંતુ, હવે ડાબોડી બની ગઈ છે. તેને યાદદાસ્તની સમસ્યા પણ સર્જાઈ છે.
હજુ ચાલવાનું બરાબર શીખી રહી હોવાં છતાં,જિંદગી જીવવાનાં તેનાં ઉત્સાહમાં કોઈ કમી આવી નથી. પથારીમાંથી ઉઠવા કે ચાલવામાં તેને સહાય લેવી પડે છે. ડોક્ટરો કહે છે કે હજુ બે વર્ષ તેને તકલીફોનો સામનો કરવો પડશે. જોકે, કોવિડ- ૧૯ના કારણે સારવાર બરાબર મળતી ન હોવાથી આ સમયગાળો લંબી જાય તેવી પણ શક્યતા છે. તે કહે છે કે,‘અકસ્માતના કારણે માથાને ભારે આઘાત લાગ્યા પછી સ્ટ્રોક સાથે મગજમાં પણ નુકસાન થયું હતું. ભાષા પર કાબુ હોય તેવા મગજના હિસ્સા પર સોજાના લીધે મારાં ઉચ્ચાર બદલાઈ ગયાં છે. હું જમૈકન ઉચ્ચારથી બોલી શકતી નથી. આ ઉપરાંત, જમોડી હોવાના બદલે ડાબોડી બની ગઈ છું. મારું જીવન હવે પહેલાં જેવું કદી નહિ રહે.’
ડીઆનાએ મિરર ઓનલાઈનને જણાવ્યું હતું કે,‘મારાં મગજમાં તો હું પેટિઓસ ભાષા બોલું છું પરંતુ, બહાર આવે છે ત્યારે બ્રિટિશ ઉચ્ચારો જણાય છે.તેનાથી ટેવાતાં મને થોડો સમય પણ લાગ્યો છે. પહેલા હું જમણા હાથથી લખતી હતી પરંતુ, હવે બંને હાથથી લખી શકું છું. ઘણાં લોકો મને કહે છે તે તારાં ઉચ્ચારોથી તું બર્મિંગહામની હોય તેમ લાગે છે. મારાં ઉચ્ચાર બધાને ગમતા હોવાથી હું વોઈસઓવર કામગીરીનું પણ વિચારીશ.’