બર્મિંગહામઃ અગાઉ ઉપયોગમાં લેવાયેલી અને ડ્રાઈવિંગ માટે જોખમી કાર વેચીને ઠગાઈ કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે યાર્ડલીમાં આવેલા M A Trade Centre Limited અને તેના ડિરેક્ટર મેહમુદ હુસૈનને ગ્રાહકને ૭,૫૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.
ઓટો ટ્રેડર વેબસાઈટ મારફતે ડ્રાઈવિંગ માટે જોખમી એવી ૨૦૧૧ના રજિસ્ટ્રેશનની ફોર્ડ ફિએસ્ટા કાર વેચવાની જાહેરાત આપવા સંબંધિત તમામ ગુનામાં હુસૈન અને M A Trade Centre Limited બન્નેને ગઈ ૬ જૂને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હુસૈન અને કંપની બન્નેને ૧,૭૫૦ પાઉન્ડનો દંડ કરાયો હતો તથા કોસ્ટ તરીકે ૨,૦૦૦ પાઉન્ડ ચૂકવવા અને કાર જપ્ત કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો.
બર્મિંગહામ સિટી કાઉન્સિલે ગત ૮ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ મળેલી ગ્રાહકની ફરિયાદ બાદ હુસૈન અને કંપની સામે કેસ દાખલ કર્યો હતો. વોરવિકશાયર વ્હીકલ કન્સલ્ટન્ટ્સ લિ.ના નિરીક્ષકે ઈન્સ્પેક્શન કરીને ડ્રાઈવિંગ માટે કાર જોખમી હોવાને સમર્થન આપ્યું હતું. અગાઉની સુનાવણીમાં બન્નેએ કન્ઝ્યુમર પ્રોટેક્શન ફ્રોમ અનફેર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ ૨૦૦૮ અને રોડ ટ્રાફિક એક્ટ ૧૯૮૮ હેઠળના ચાર ગુનામાં પોતે દોષિત ન હોવાની દલીલ કરી હતી.