બર્મિંગહામઃ 82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ ચેરિટીઝ માટે હજારો પાઉન્ડ એકત્ર કર્યાં હતા.દાદીમા જિના હેરિસ 23 જૂને સ્કોટિશ ગામે આવી પહોંચ્યા ત્યારે ચોકલેટ કેકની સ્લાઈસ ખાઈને ઉજવણી કરી હતી.
હેરિસ 55 વર્ષના થયાં ત્યારથી જ તેમણે નિયમિત સાઈકલિંગ શરૂ કર્યું હતું અને તેમણે આ વિક્રમી રાઈડિંગ 30 કિલોગ્રામના સાધન સાથે સ્ટીલની ટુરિંગ બાઈક સાથે કર્યું હતું. તેમણે દિવસના મસરેરાશ 20 માઈલનું અંતર કાપ્યું હતું અને તેમના 47 વર્ષના પુત્ર પાસ્કલે આ યાત્રામાં થોડા દિવસ તેમને સાથ આપ્યો હતો. જિના હેરિસના પતિનું બે વર્ષ અગાઉ મોત થયું હતું. દાદીમા હેરિસે અત્યાર સુધી વિમેન્સ એઈડ એન્ડ ચેરિટી માટે 5000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી.
હેરિસે જણાવ્યું હતું કે, ‘આ ભારે મહેનત માગી લેતું કાર્ય છે પરંતુ, તમે લયમાં આવી જાવ તે પછી બસ ચાલતા જ રહો છો. મારી શરૂઆત સારી રહી ન હતી કારણકે યાત્રાના પહેલા તબક્કામાં જ મોજાં ખોવાઈ ગયા હતા.’ રસ્તામાં સાઈકલને બે પંક્ચર પડ્યાં અને એક વખત તેઓ પડી ગયાં હતાં. એક સમયે તેમની બાઈકનું કોમ્પ્યુટર ખોટકાઈ ગયું હતું અને રૂટના નવમા દિવસે યાત્રાના 15 માઈલની નોંધ થઈ ન હતી. જોકે, તેમને આ રેકોર્ડ સત્તાવાર ગણાવાની આશા છે.
ગ્રેટ બ્રિટન ટાપુ પર છેક લેન્ડ્ઝ એન્ડ (સાઉથવેસ્ટ )થી જ્હોન ઓ’ગ્રોટ્સ (નોર્થઈસ્ટ) સુધી એટલે કે બે છેડા વચ્ચેનું અંતર 874 માઈલ્સ (1,407 કિલોમીટર) છે અને માટા ભાગના કુશળ સાઈકલિસ્ટ્સને આ અંતર કાપતા 10થી 14 દિવસ લાગે છે. દોડતા રહીને આ માર્ગનું અંતર કાપવાનો વિક્રમ 9 દિવસનો છે.