બર્મિંગહામઃ ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના નેતા પ્રમુખસ્વામી મહારાજને વેસ્ટ મિડલેન્ડ્સના સેંકડો ભક્તોએ સ્પાર્કબ્રૂકના બર્મિંગહામ પ્રગતિ મંડળ ખાતે શુક્રવાર, ૧૪ ઓક્ટોબરે ભાવાંજલિ અર્પી હતી. પ્રમુખસ્વામી મહારાજનું ભારતમાં શનિવાર, ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ૯૪ વર્ષની વયે નિધન થયું હતું. પ્રમુખસ્વામીના જીવન અને વારસાને ભાવાંજલિ અર્પણ કાર્યક્રમમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં ચાન્સેરીના વડા બી.સી. પ્રધાન, ઈન્ટરફેઈથ રીલેશન્સના ડિરેક્ટર ડો. એન્ડ્ર્યુ સ્મિથ સહિત કોમ્યુનિટીના અગ્રણી સભ્યો, નાગરિક નેતાઓ તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવાનો દ્વારા વિશ્વ શાંતિ અર્થે વેદિક પ્રાર્થનાઓ સાથે સભાનો આરંભ થયો હતો. આ પછી, પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ જીવન અને માનવતાપૂર્ણ કાર્યોને વિડિયો રજૂઆત થકી દર્શાવાયા હતા. યુકે અને યુરોપમાં BAPS ના વડા સાધુ યોગ વિવેક સ્વામીએ મહારાજના ‘અન્યોના કલ્યાણમાં જ આપણું કલ્યાણ’ સૂત્રને યાદ કરી ઈશ્વર અને સમાજની સેવા કરવામાં તેમણે જીવન સમર્પિત કરી દીધું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાંથી અનેક પ્રસિદ્ધ મહાનુભાવોએ આદરાંજલિઓ અર્પણ કરી હતી તેનાથી મહારાજશ્રીના જીવનની ઊંડી અસરો છતી થાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સભામાં ડો.એન્ડ્ર્યુ સ્મિથ, ધીરુભાઈ શાહ, નામધારી ગુરુદ્વારાના કુલદીપસિંહ ઉભી, એજબાસ્ટનના અમૃતભાઈ પ્રજાપતિ સહિતના વક્તાઓએ પ્રમુખસ્વામી મહારાજ સાથે પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું અને તેમને આધુનિક કાળના ઋષિ ગણાવી ભારતીય હિન્દુ સંસ્કૃતિનું મૂર્તિમંત સ્વરૂપ ગણાવ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામી મહારાજે વિડિયો સંદેશા દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિસભાનું સમાપન કરાયું હતું.